Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

અમેરિકામાં ટ્રમ્પ સરકારની નવી પોલિસીના કારણે ગુજરાતી મહિલાને પોતાના બાળકથી અલગ કરવાનો પ્રથમ કેસઃ દિવ્યાંગ પુત્રને ફરી મળવા માટે અમદાવાદના ભાવના પટેલને ૩૦,૦૦૦ ડોલર જમાનત રાશી ભરવી પડશે

વોશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ સરકારે નવી પ્રવાસી નીતિ જાહેર કરતા ગુજરાતી મહિલાને તેનો ભોગ બનવો પડ્યો છે અને પોતાના દિવ્યાંગ પુત્રથી અલગ થવાની નોબત આવી છે.

મેક્સિકોમાંથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કર્યા બાદ આશરો માગી રહેલી એક ગુજરાતી મહિલાને તેના પાંચ વર્ષના દિવ્યાંગ પુત્રથી અલગ કરી દેવામાં આવી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વાતની જાણકારી બહાર આવી છે.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે એરિઝોનાની કોર્ટે ભાવના પટેલના બાળકને ફરી મળવા માટે 30,000 ડોલરની જમાનત રાશી નક્કી કરવામાં આવી છે, હાલ એ સ્પષ્ટ નથી થયું કે તે પોતાના પુત્રને મળી શકશે કે નહીં.

કોર્ટ કાર્યવાહી દરમિયાન મહિલા અને તેના વકીલે કહ્યું કે ભાવના રાજકીય પરેશાની કંટાળી  ભારતના અમદાવાદથી પોતાના પાંચ વર્ષના બાળક સાથે ગ્રીસ ગઇ હતી, ત્યાંથી મેક્સિકો અને ત્યાંથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેસ કર્યો હતો.હાલ ભાવનાના વાળ ધોળા થઇ ગયા છે, અને તેના હાથપગ ધ્રૂજે છે, તો તેના પુત્રની પણ તબિયત સારી નથી, જેથી વહેલી તકે જામીન પર મૂકત કરવામાં આવે. વકીલે કહ્યું કે ભાવનાને જો ભારત પરત મોકલવામાં આવશે તો તેની હત્યા થવાનો ભય છે, ભાવનાના ભાઇએ ભારત છોડવામાં મદદ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ એરિઝોના કોર્ટે ભાવનાને 30000 ડોલરના જામીન પર મુક્ત કરી છે.

અમેરિકામાં ટ્રમ્પ પ્રસાશને નવી જાહેર કરેલી પ્રવાસી નીતિને કારણે કોઇપણ ભારતીયને તેના બાળકોથી અલગ કરવાનો આ પ્રથમ કેસ છે. પોસ્ટમાં એ નથી જણાવાયું કે ભારતીય મહિલાની ધરપકડ ક્યારે કરાઇ હતી.

થોડા સમયના મીડિયા રિપોર્ટ પ્રમાણે વોશિંગ્ટન, ન્યૂ મેક્સિકો, ઓરેગન અને પેનિસિલ્વેનિયાની જેલમાં 200 ભારતીય કેદ છે, જેમાંથી મોટાભાગે પંજાબ અને ગુજરાતના લોકો છે. વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ અને ન્યૂયોર્ક, હ્યુસ્ટન તથા સેન ફ્રાંસિસ્કોમાં વાણિજ્ય દૂતાવાસોએ નાગરિકોને દૂતાવાસ સહાય પૂરી પાડવા તથા હકીકત જાણવા અંગે તપાસના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મામલામાં અત્યારસુધી 2300થી વધુ બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અમેરિકન સરકારની દુનિયાભરમાં આલોચના થઇ રહી છે.

(6:50 pm IST)