Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

હેપી બર્થ ડે GST : હજુ પણ 'ગુડ્સ સેડ ટેકસ'

ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવવા વેપારીઓને સૌથી વધુ મુશ્કેલીઓ પડી રહી છે : ૫૦ કોમોડિટી એવી છે જેના દર હજુ ઉંચા : રિફંડનો પ્રશ્ન ઉભો જ છે

મુંબઇ તા. ૩૦ : એક દાયકા કરતા પણ વધુના જીએસટી સંદર્ભે વિવાદ વચ્ચે પાછલા વર્ષે જુલાઇ મહિનામાં આખરે જીએસટીનો અમલ કરાયો, જેને એક વર્ષ પૂરું થઇ રહ્યું છે.  શરૂઆતમાં વેપારીઓએ, ટેકસ પ્રેકિટસનરોએ તથા રાજકીય પક્ષોએ પણ જીએસટી બાદ ઊભા થયેલા પ્રશ્નના પગલે કાગારોળ મચાવી હતી.

જેમાં ટેકસટાઇલ સહિત કેટલાય સેકટરના વેપારીઓએ હડતાળનું શ સ્ત્ર પણ ઉગામ્યું હતું, જોકે ત્યાર બાદ જેમ જેમ પ્રશ્નો ઊભા થયા તેમ તેમ સરકારે પણ કાંઇક અંશે પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા, જેમાં સરકારે પોર્ટલ પરની રિટર્ન ભરવા સહિતની ખામીઓ દૂર કરી. લેટ રિટર્ન ફીમાં ઘટાડો કર્યો. એટલું જ નહીં ૧૭૬ ચીજવસ્તુ પરના ટેકસના દરમાં ઘટાડો કર્યો.

હજુ પણ સરકાર સામે અનેક પડકારો ઊભા છે, જેમાં ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવવા વેપારીઓને સૌથી વધુ મુશ્કેલીઓ પડી રહી છે. ૫૦ કોમોડિટી એવી છે જેના દર હજુ ઊંચા છે. રિફંડનો પ્રશ્ન ઊભો જ છે. આ બધા જ પ્રશ્નો વચ્ચે જીએસટીને એક વર્ષ પૂરું થઇ રહ્યું છે ત્યારે આગામી જુલાઇ મહિનામાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સરકાર હવે વેપારીઓને રાહત મળે તે માટે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

એક વર્ષ બાદ હજુ પણ પહાડ જેવા પડકારો ઊભા છે

.  જીએસટી હજુ પણ જટિલ ટેકસ સિસ્ટમ છે.

.  સિમેન્ટ, પેઇન્ટ્સ સહિત હજુ પણ ૫૦ જેટલી જરૂરિયાતની કોમોડિટી છે કે જેના ઉપર ૨૮ ટકા જેટલો ઊંચો દર લાગે છે.

.  હજુ પણ સમયસર જીએસટી રિટર્ન ન ભરનારને રૂ. ૫૦ લેટ ફી ભરવી પડી રહી છે.

.  વેપારીને ઇનપુટ ટેકસ ક્રેડિટ-આઇટીસી મેળવવામાં સૌથી વધુ સમસ્યા છે.

.  ૧ એપ્રિલથી ઇ-વે બિલનો અમલ થયો. હજુ પણ કેટલાક કિસ્સામાં બિલ જનરેટ થવામાં મુશ્કેલી અનુભવવી પડી રહી છે, જેમાં ખાસ કરીને 'બિલ ટુ શિપ ટુ શિપ' એટલે કે ગુજરાતનો વેપારી મહારાષ્ટ્રના વેપારીને કહે કે માલ મોકલી આપે ત્યારે ઇ-વે બિલ જનરેટ થવામાં મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

.  હજુ પણ ઘણા વેપારી ટ્રાન્સવન-સ્ટોક ક્રેડિટ અને ટ્રાન્સફર ભરવામાં રખડી પડ્યા છે.

.  એડ્વાન્સ રૂલિંગનો પ્રોબ્લેમ છે. રાજય જુદા જુદા ચુકાદા આપે છે, જેને લઇને નેશનલ લેવલે એક જ ઓથોરિટી હોવી જોઇએ.

.  નોંધણી નંબરની અરજી દફતરે થઇ ગઇ છે તે લોકોના કેસમાં અપીલ કરી છે. અપીલનો છ મહિનાથી નિકાલ નથી આવ્યો.

.  એન્ટી પ્રોફિટરિંગની ગાઇડલાઇનનો મિસયુઝ થઇ રહ્યો છે.

.  ખરીદીનાં રિટર્ન અંગેની કોઇ વિગતો સરકારે બહાર નથી પાડી.

.  જીએસટી બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે તેવી વાતો થતી હતી, પરંતુ ભાવમાં કોઇ જ ઘટાડો થયો નથી. તેથી ઊલટું ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે.

.  રિવર્સ ચાર્જ મિકેનિઝમને ત્રણ મહિના પાછું ઠેલ્યું છે, પરંતુ તેની કલેરિટી આવી નથી.

.  રિવાઇઝ રિટર્ન કે રેકિટફિકેશનની કોઇ સુવિધા નથી. કોઇ ભૂલ થઇ હોય તો સુધારાને કોઇ અવકાશ નથી.

.  સરકારે રિફંડનાં અભિયાન ચલાવ્યાં છે, પરંતુ રિફંડનો બહુ મોટો ઈશ્યૂ છે.

.  એડ્રેસમાં ફેરફાર થયો હોય તો ઓનલાઇન જાણ કરવાની હોય છે, પરંતુ હજુ પણ ઘણી યુટિલિટી ઓપન થઇ નથી.

.  રિફંડ માટે વેપારીને કચેરીએ બોલાવવામાં આવે છે, જેનાથી વેપારીનાં સમય-શકિત બંનેનો ખર્ચ થાય છે એટલું જ નહીં, સમયસર રિફંડ નહીં મળવાના કારણે વર્કિંગ કેપિટલની અછત ઊભી થાય છે.

સરકારે ટેકસ સિસ્ટમ સરળ બને તે માટે પ્રયત્ન કર્યા

.  જુલાઈમાં શરૂઆતમાં પોર્ટલ ઉપર ટેકિનકલ ખામી હતી તથા સર્વર પણ ખૂબ જ ધીમું હતું તેની સમસ્યા કેટલાક અંશે દૂર કરવામાં આવી છે.

.  વેપારીને જીએસટી ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને ટેકસટાઇલ માર્કેટ સહિત અન્ય માર્કેટમાં મોકલવામાં આવતા હતા તથા વેપારીઓને સમજણ આપવામાં આવતી હતી.

.  સરકાર સમયસર રિટર્ન ન ભરનાર પાસેથી અગાઉ ૨૦૦ રૂપિયા લેટ ફી વસૂલતી હતી તેમાં નવેમ્બરના સમયગાળામાં ઘટાડો કરી રૂ. ૫૦ની કરી છે, પરંતુ વેપારીઓની માગ છે કે તે ફી બંધ કરવી જોઇએ.

.  ૧૫ નવેમ્બરના રોજ ૧૭૬ ચીજવસ્તુઓ કે જેના ઉપર ૨૮ ટકા જીએસટી લાગતો હતો તેમાં ઘટાડો કરીને ૧૮ ટકા કર્યો છે.

.  ટેકસટાઇલ સેકટરમાં જોબવર્ક પર અગાઉ ૧૮ ટકા ટેકસ લાગતો હતો તેમાં ઘટાડો કરી આઠ ટકા કર્યો છે.

.  એસી રેસ્ટોરાં પર ૧૮ ટકા અને નોન એસી રેસ્ટોરાં પર ૧૨ ટકા જીએસટી લાગતો હતો તેના બદલે હવે પાંચ ટકા એકસરખો જ ટેકસ લાદી રાહત આપી છે.

.  રિફંડનું સપ્તાહ ઊજવી રિફંડ કલેમ સેટલ કર્યા છે, જેમાં પાછલા દસ દિવસમાં ૯૦૦ કરોડનાં રિફંડનાં ચૂકવણાં કર્યાં છે.

.  ૧ એપ્રિલથી ઇ-વે બિલનો અમલ શરૂ કર્યો છે. અગાઉ કેટલીક બિલ જનરેટ કરવાની ખામીઓ હતી તે સરકારે દૂર કરી છે.

.  નિકાસકારોનાં રિફંડ ચૂકવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

GSTના અમલ બાદ વેપારી આલમમાં ભારે આક્રોશ જોવાયો હતો

જીએસટીના અમલ બાદ શરૂઆતમાં વેપારીઆલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખાસ કરીને કાપડ ઉપર અગાઉ ટેકસ ન હતો તેના પર ટેકસ લદાતાં ટેકસટાઇલ સેકટરમાં તેનો ભારે વિરોધ થયો હતો.

શરૂઆતમાં અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર પણ ઉગામાયું હતું. હાર્ડવેર સહિત કેટલાય સેકટરના વેપારીઓએ હડતાળ પાડી હતી, જોકે ત્યાર બાદ સરકાર તથા જીએસટીના અધિકારીઓ સાથે બેઠક બાદ આક્રોશ શાંત પડ્યો હતો.

જીએસટીને એક વર્ષ પૂરું થયું છે. હજુ પણ ટેકસ સિસ્ટમ જટિલ છે. રિફંડ સહિત રૂ. ૫૦ લેટ ફી ભરવી પડી રહી છે. ઇ-વે બિલના પ્રોબ્લેમ છે તથા વેપારીઓને ટેકસ ક્રેડિટ મેળવવામાં સૌથી વધુ સમસ્યા છે. સરકારે આ પ્રશ્નો હળવા કરવા જોઇએ.

વારીશ ઈશાની, પૂર્વ પ્રેસિડેન્ટ, ગુજરાત સેલ્સટેકસ બાર એસોસિયેશન

(4:03 pm IST)