Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ

જન-જીવન પર ભારે અસરઃ શાળા- કોલેજો બંધઃ ભેખડો ઘસી પડતા વાહન વ્યવહાર ઠપ્પ

શ્રીનગર, તા.૩૦: જમ્મુ-કાશ્મીરમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મોનસુનનો પ્રથમ વરસાદ ગઇકાલે જ તબાહી લઇને આવ્યો. અનેક સ્થળે ભુસ્ખલનની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક સ્થળોએ પ્રોજેકટોને ભારે નુકશાન પહોંચ્યું છે. શાળા-કોલેજો સદંતર બંધ છે.

છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે દક્ષિણી કાશ્મીરમાં જેલમ નદી સંગમની પાસે ખતરાના નિશાન પર વહી રહી છે. આ ઉપરાંત તવી અને ચિનાબની જળસપાટી વધી છે. તવીમાં ગઇકાલે જળસપાટી સાત ફુટ સુધી પહોંચી ગઇ. ચિનાબ નદીની જળસપાટી વધી રહી છે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર પથ્થર ઘસવાથી ૧૦ કલાક બંધ રહ્યો. તેના કારણે અમરનાથ યાત્રીઓ સહિત હજારો વાહનો ફસાય ગયા. મુગલ રોડ તેમજ સોનમાર્ગ -લેહ માર્ગને બંધ કરી દેવામાં આવી છે. દક્ષિણી કાશ્મીરમા ભારે તબાહી સર્જાઇ છે.

પાટનગર શ્રીનગર સહિત ઘાટીના વધુ પડતા વિસ્તારોમાં છેલ્લા ૪૮ કલાકથી તેજ અને ભારે વરસાદ પડી રહ્યો છે. સોનમર્ગ પહેલગામ જોજિલા સહિત અન્ય પર્વતીય વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ બરફવર્ષા થઇ ગઇ. મેદાની વિસ્તારો કઠુઆ, રાજોરી, પુંછ જમ્મુ સહિતના પહાડી અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.

(12:53 pm IST)