Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પીપીઈ કીટમાં ઓળખની સમસ્યા નિવારવા ડોક્ટરે મિત્રની મદદથી એપ વિકસાવી

સમસ્યાએ સંશોધનની પ્રેરણા આપી : હોસ્પિટલના વોર્ડ, ડૉક્ટર, શિફ્ટ, સમયપત્રક અને ડ્યુટી લીસ્ટ બધું જ તબીબોની આંગળીના ટેરવે

અમદાવાદ, તા. ૩૦ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતના કર્મચારિઓ સતત પી.પી.ઇ. કિટમાં ફરજ નિભાવતા હોય છે. પી.પી.ઇ. આવા સમયે કયા વોર્ડમાં કયા સમયે કોણ ડૉક્ટર ફરજ બજાવે છે તે જાણવું આવશ્યક રહે છે.  આ સમસ્યા ટાળવા સિવિલ ઓર્થોપેડીક વિભાગના યુવા તબીબ ડૉ. નિરવે વેબ-ડેવલોપર મિત્રની મદદથી 'કોવિડ-૧૯ કેર' એપ્લીકેશન બનાવી છે. આ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી તબીબોનું ડ્યુટી લીસ્ટ, ફરજ સમયપત્રક, ડોનિંગ અને ડોફીંગ પ્રક્રીયા સમજાવતા વીડિયો. ફરજ પર તૈનાત વિવિધ વિભાગના તમામ તબીબોના મોબાઈલ નંબર વગેરે માહિતી ઉપલબ્ધ છે. એપ્લિકેશનમાં વોર્ડ દીઠ, ફ્લોર દીઠ ફરજ પરના તબીબોની જાણકારી ઉપલબ્ધ બની રહે છે.  ડોનિંગ-ડોફીંગ એ પ્રક્રિયા છે .

          જેમાં કર્મી તેના વ્યવસાય સંલગ્ન સુરક્ષાત્મક પહેરવેશ જેમ કે પી.પી.ઇ કીટ પહેરે અને ઉતારે છે. આ એપમાં ડોનિંગ અને ડોફીંગ પ્રક્રીયા સરસ રીતે સમજાવવામાં આવી છે.  ડ્યુટી સંલગ્ન તમામ આવશ્યક જાણકારી રોજ સવારે શિફ્ટ શરૂ થતાં પહેલાં એપમાં મુકવામાં આવે છે. સિવિલ સુપ્રિન્ટેડેન્ટ ડૉ. જે. પી. મોદી જણાવે છે કે, હાલ આ એપ્લીકેશન કોવિડ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો માટે ખુબ જ ઉપયોગી નીવડી રહી છે. તબીબોને શીફ્ટ પ્રમાણે તમામ માહિતી મળી રહેતા સંકલન ઉત્કૃષ્ટ બન્યું છે. આગામી દિવસોમાં આ એપ્લીકેશનને ડેવલોપ કરી વધુ મોટા ફલક પર ઉપયોગમાં લેવામાં આવશે.

(9:59 pm IST)