Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમેરિકાએ WHO સાથેના તમામ સંબંધો તોડયાઃ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

'કોરોનાના કહેર માટે ચીન-WHO દોષી': ચીનના વુહાન વાયરસથી ૧ લાખ અમેરિકન મર્યાઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ કોરોનાના સૌથી વધુ કહેરનો સામનો કરી રહેલા અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) સાથે પોતાના તમામ સંબંધ તોડી નાખ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, WHO પર સંપૂર્ણ રીતે ચીનનો કન્ટ્રોલ છે. એવામાં અમેરિકા તેની સાથેના તમામ સંબંધ ખતમ કરી રહ્યું છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, WHO કોરોના વાયરસને શરૂઆતના સ્તર પર રોકવામાં નિષ્ફળ રહ્યું. આ દરમિયાન ટ્રમ્પે ચીનને ચારેય તરફથી દ્યેર્યું. કોરોના મહામારીથી લઈને ટ્રમ્પે આ પહેલા WHO સામે સવાલો ઊભા કર્યા હતા.

ટ્રમ્પે WHO અને ચીનને દુનિયાભરમાં થયેલા કોરોનાથી મોત માટે જવાબદાર ગણાવ્યા છે. ટ્રમ્પે કહ્યું, વાર્ષિક માત્ર ૪૦ મિલિયન ડોલર (૪ કરોડ ડોલર)ની મદદ આપવા છતાં ચીનનું WHO પર સંપૂર્ણ રીતે નિયંત્રણ છે. બીજી તરફ અમેરિકા તેની સામે વાર્ષિક ૪૫ કરોડ ડોલરની મદદ આપી રહ્યું છે. તે જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ રહ્યું, આથી અમે આજથી WHO સાથે પોતાના સંબંધ ખતમ કરવા જઈ રહ્યા છીએ. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે WHOના અટકાવાયેલા ફંડનો હવે દુનિયાના બીજા સ્વાસ્થ્ય સંગઠનોની મદદ માટે ઉપયોગ કરવામાં આવશે. ટ્રમ્પે આ દરમિયાન ચીન વિરુદ્ઘ લેવાયેલા ઘણા નિર્ણયોની જાહેરાત કરી.

ટ્રમ્પે કોરોનાને ચીનનો વુહાન વાયરસ બતાવતા કહ્યું, ચીને વુહાન વાયરસને છુપાવીને કોરોનાને સમગ્ર દુનિયામાં ફેલાવાની મંજૂરી આપી. તેનાથી એક વૈશ્વિક મહામારી પેદા થઈ, જેનાથી ૧ લાખથી વધારે અમેરિકન નાગરિકોના જીવ ગયા. સમગ્ર દુનિયામાં લાખો લોકોના આ વાયરસથી મોત થયા. ચીની અધિકારીઓએ આ બધા વચ્ચે WHOના પોતાની રિપોર્ટિંગની ફરજને નજરઅંદાજ કરી.

ટ્રમ્પે ચીનના કેટલાક નાગરિકોને પ્રવેશ ન આપવા અને અમેરિકામાં ચીનના રોકાણ પર કાતર ફેરવવાની જાહેરાત કરી. ટ્રમ્પે આ દરમિયાન ચીનને હોંગકોંગ મુદ્દા પર ઘેર્યું. ટ્રમ્પે કહ્યું, ચીન તરફથી હોંગકોંગમાં લગાવાયેલા પ્રતિબંધોના જવાબમાં હવે અમેરિકા સ્પેશિયલ ટ્રિટમેન્ટ ખતમ કરશે. ટ્રમ્પે કહ્યું કે, અમે હોંગકોંગ માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં સંશોધન કરીશું, કારણ કે ચીન તરફથી લગાવાયેલા સુરક્ષા ઉપકરણોથી ખતરો વધ્યો છે.

(11:28 am IST)