Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

૨૦૨૦નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેશે

નવી દિલ્હી તા. ૩૦ : વૈજ્ઞાનિકોના એક આંતરરાષ્ટ્રીય ગ્રુપે ચેતવણી આપી છે કે જળવાયુ પરિવર્તનના પ્રભાવોને લીધે આ વખતે ગરમ હવાઓ, ઉષ્ણકટીબંધીય તોફાનો અને આગની ઘટનાઓ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. લોકડાઉનના કારણે આ ઘટનાઓ વધુ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. કેમકે તેની સામેના યોગ્ય પ્રયાસો નથી કરી શકાયા. પરિણામ એ આવશે કે આ વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની શકે છે.  ઇન્ટરનેશન સેન્ટર ફોર કલાઇમેટ ચેન્જ એન્ડ ડેવલોપમેન્ટના રિપોર્ટમાં શંકા વ્યકત કરાઇ છે કે ૨૦૨૦નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની શકે છે. રિપોર્ટ અનુસાર, ભીષણ ગરમીની સૌથી વધારે અસર ઉત્તર ગોળાર્ધના દેશો પર પડશે. ભારત, બાંગ્લાદેશ સહિતના આ દેશોમાં આગામી સપ્તાહોમાં લૂનો પ્રકોપ હજુ પણ વધશે.

રિપોર્ટ અનુસાર, દક્ષિણ ગોળાર્ધ સહિત દુનિયાના અન્ય ભાગો પણ ચરમ મોસમી ઘટનાઓનો સામનો કરી રહ્યા છે. પૂર્વ આફ્રીકાના કેટલાક ભાગોમાં અત્યારે ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનનું જોખમ ઉભું થયું છે. આફ્રીકન દેશોથી માંડીને ભારત સુધીમાં કેટલાય દેશો તીડના હુમલાનો ભોગ બની રહ્યા છે.

નિષ્ણાંતોએ કહ્યું કે, ચરમ મોસમી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. કાર્બન ઉત્સર્જનથી તોફાન, હીટવેવ અને આગનું જોખમ વધે છે. ઉંચુ ઉષ્ણતામાન લાંબો સમય ચાલુ રહેવાથી લૂ ઉત્પન્ન થાય છે, જંગલોમાં આગ લાગે છે. આ વર્ષે આ જોખમ વધી શકે છે. ડોકટર કેટ ક્રેમરે કહ્યું કે, કોરોનાના લીધે લોકોનું એકથી બીજી જગ્યાએ ન જવું અને ઘરોમાં જ રહેવાના કારણે તેઓ ગરમી અને તોફાનોના વધારે શિકાર બની શકે છે. આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતામાં ઘટાડો પણ આમા મુશ્કેલી ઉભી કરશે.

(10:54 am IST)