Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

એમ્સમાંથી ડિસ્ચાર્જ કરાતા લાલૂ ખફા : પોલીસ સાથે ખરાબ વર્તન

રાજકીય દ્વેષભાવ અને બદલાની ભાવનાથી ડિસ્ચાર્જ કરાયા : લાલૂઃ હોસ્પિટલમાંથી રજા આપીને રાંચીની હોસ્પિટલમાં ફરી મોકલવામાં આવતા લાલૂએ સ્ટેશન ઉપર પોલીસની સાથે ખરાબ વર્તન કર્યું : નવો વિવાદ છેડાયો

નવીદિલ્હી,તા. ૩૦: દિલ્હીના ઓલઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માંથી ચારા કૌભાંડના આરોપી અને આરજેડીના નેતા લાલૂ પ્રસાદ યાદવને ડિસ્ચાર્જ કરવાના મુદ્દે જોરદાર વિવાદ છેડાઈ ગયો છે. લાલૂ યાદવને ૨૯મી માર્ચના દિવસે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છ તબીબોની મેડિકલ ટીમ એ વખતે તેમની સારવારના સંદર્ભમાં નિર્ણય કરવા રચવામાં આવી હતી. આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ્સે કહ્યું છે કે, આરજેડી વડાની તબિયત હવે બિલકુલ ઠીક થઇ ચુકી છે જેથી તેમને ફરીથી રાંચી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે, લાલૂ યાદવ પ્રવાસ કરવા માટે પણ ફિટ છે. હોસ્પિટલની આ પ્રતિક્રિયા સામે લાલૂએ નારાજગી વ્યક્ત કરી છે. તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા લાલૂએ દાવો કર્યો હતો કે, આ રાજકીય દ્વેષભાવથી કરવામાં આવેલી કામગીરી છે. તેમના જીવન સામે ખતરો રહેલો છે. આ હિલચાલને અયોગ્ય તરીકે ગણાવીને લાલૂએ કહ્યું હતું કે, આ એક રાજકીય કાવતરું છે. તેમને એવી જગ્યા પર મોકલવામાં આવી રહ્યા છે જ્યાં ખુબ ઓછી સુવિધા રહેલી છે. આરજેડીએ પણ આ ઘટનાક્રમને લઇને નારાજગી વ્યક્ત કરી છે. લાલૂએ આને રાજકીય બદલાની ભાવના તરીકે ગણાવી છે. આરજેડીના વડાએ એમ્સ વહીવટીતંત્રને પત્ર લખીને ડિસ્ચાર્જ ન કરવા માટે કહ્યું હતું. લાલૂ યાદવની તબિયત સુધરતા તેમને રજા આપવામાં આવી છે. લાલૂનું કહેવું છે કે, તેમની સામે રાજકીય કાવતરુ ઘડવામાં આવી રહ્યું છે. જો કંઇ થશે તો આના માટે સરકાર જવાબદાર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દબાણ હેઠળ તેમને એમ્સમાંથી રજા આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણપણે ફિટ નથી. ફિટ થયા વગર જ તેમને રિમ્સ મોકલવામાં આવી રહ્યા છે. લાલૂએ પત્રમાં કહ્યું છે કે, તેઓ રાંચી હોસ્પિટલમાં જવા ઇચ્છુક નથી. કારણ કે, ત્યાં તેમની સારવાર થઇ શકશે નહીં. પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, તેમને રજા આપવાની તૈયારી ચાલી રહી હતી. તેમને હાર્ટ, કિડની, સુગર અને અન્ય કેટલીક બિમારીઓ રહેલી છે. લાલૂએ એમ્સ તંત્રને લખેલા પત્રમાં જુદી જુદી બિમારીઓનો ઉલ્લેખ કર્યો હતો. એમ્સે સ્પષ્ટતા કરી છે કે, લાલૂની તબિયત હવે બિલકુલ સ્વસ્થ છે. લાલૂના પુત્ર તેજસ્વીએ કહ્યું છે કે, કોઇપણ કારણો વગર લાલૂને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. કોઇપણ વ્યક્તિ બિમાર રહે છે તો તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. લાલૂ યાદવના આરોગ્યમાં કોઇ સુધારો થયો નથી. લાલૂ યાદવની કિડની ૬૦ ટકા ડેમેજ છે. આ ઉંમરમાં તેમની મોનિટરિંગની જરૃર છે. ઘાસચારા કૌભાંડના મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ લાલૂને સજા ફટકારવામાં આવી હતી. તબિયત બગડવાના કારણે લાલૂને એમ્સ ખસેડવામાં આવ્યા હતા. બિમાર થતાં પહેલા લાલૂ રાંચીની હોસ્પિટલમાં હતા. લાલૂ યાદવને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ લાલૂ યાદવ લાલઘૂમ દેખાયા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરી હોવાના પણ અહેવાલ મળ્યા છે.

આ પોલીસ અધિકારી પર લાલૂ માત્ર નારાજ થયા ન હતા બલ્કે તેમને ધક્કો આપી દીધો હતો. આ ઘટનાના વિડિયો પણ જારી કરવામાં આવ્યા છે જેમાં લાલૂ પોલીસ અધિકારીને ફટકારતા નજરે પડી રહ્યા છે. કેટલાક પત્રકારો પણ ત્યાં ઉપસ્થિત હતા. પત્રકારોના પ્રશ્નના જવાબમાં લાલૂએ કહ્યું હતું કે, પોલીસવાળા તેમને પાછળ થઇ જવા કેમ કહી રહ્યા છે તેમ સમજાઈ રહ્યું નથી. આ અગાઉ લાલૂને એમ્સમાંથી રજા આપવામાં આવ્યા બાદ પણ હોબાળો થયો હતો.

 

(7:12 pm IST)