Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ગુજરાતના પરિણામો બાદ મોદી હચમચી ગયાઃ રાહુલ

જનાક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનો પ્રહારકોંગ્રેસ અધ્યક્ષ કૈલાસ - માનસરોવર જશે

નવી દિલ્હી તા. ૩૦ : દિલ્હીના રામલીલા મેદાન ખાતે આયોજિત કરાયેલી કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર પર આકરી ચાબખાબાજી કરી છે. જનાક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને નિશાને લેતા જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીના ભાષણમાં જનતા સચ્ચાઈ શોધે છે. તેમણે વડાપ્રધાન મોદીને સલાહ આપતા કહ્યુ છે કે દેશને આગળ લઈ જવા માટે નફરતની નહીં, પણ પ્રેમની જરૂરત છે. રાહુલ ગાંધીએ ૨૦૧૯માં કોંગ્રેસની જીતની આશા પણ વ્યકત કરી છે. દેશમાં ભાજપના લોકો દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને દલિત-લઘુમતીઓને નિશાન બનાવવામાં આવતા હોવાનો પણ રાહુલ ગાંધીએ પોતાના સંબંધોનમાં દાવો કર્યો છે. મોદીએ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હચમચી ગયા હોવાનું જણાવીને હાલ વડાપ્રધાનના ચહેરાનો રંગ ઉડી ગયો હોવાનો કટાક્ષ પણ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ૭૦ વર્ષમાં કોઈએ કર્યું હોય નહીં તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેના કારણે હિંદુસ્તાનની જનતાની અંદર ગુસ્સો છે. દરેક સ્થાન પર ભાજપ અને આરએસએસના લોકો નફરત ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે દેશને આગળ લઈ જવા માટે નફરત નહીં. પણ પ્રેમની જરૂરત છે.

છેલ્લા કેટલાક સમયથી ખુબ જ ૫રિ૫કવ રાજનીતિનું ઉદાહરણ પુરૂ પાડી રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે હિન્દુત્વના મામલે મહત્વનો પાસો ફેંકતા આગામી દિવસોમાં કૈલાસ-માનસરોવર યાત્રાએ જવાની જાહેરાત કરી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ આ યાત્રાએ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે સર્જાયેલી પ્લેન દૂર્ઘટના સમયે તેમણે ભગવાન શિવજીનું ધ્યાન કર્યું હતું. તેમજ આ બાબતે તેમણે સુચક ઉલ્લેખ ૫ણ કર્યો હતો.(૨૧.૫)

(12:00 pm IST)