Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

૫ વર્ષ બાદ વધી કુલીઓની મજુરી

સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ...

નવી દિલ્હી, તા.૩૦: રેલવે બોર્ડે કુલીઓની સુવિધામાં વધારો કર્યા બાદ વેતન વધારવાના આદેશ આપ્યા છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને માલસામાનની વહન માટે કુલીઓના દરમાં વધારો કરવાની જૂની માગણી હતી. આ સિવાય તેમને પહેલાથી જ રેલવે કર્મચારીઓ જેવી અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સામાન વહન કરનારા કુલીઓના દર લગભગ પાંચ વર્ષ પછી વધારવામાં આવ્યા છે. રેલવે બોર્ડના આદેશ બાદ રાયપુર ડિવિઝનમાં આનો અમલ કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે તેને દેશભરના તમામ ૬૮ વિભાગોમાં લાગુ કરવામાં આવે. અધિકારીએ કહ્યું કે ઝોનલ રેલ્વેના જનરલ મેનેજરને કુલીના દરોની સમીક્ષા અને તર્કસંગત બનાવવાનો અધિકાર હશે.

આ છે નવા દરઃ અધિકારીએ કહ્યું કે જો ૪૦ કિલોથી વધુ વજન હોય તો રેલવે પેસેન્જરે ૨૫૦ રૃપિયાના બદલે ૩૪૦ રૃપિયા ચૂકવવા પડશે. જ્યારે વૃદ્ધ અથવા બીમાર વ્યકિતને વ્હીલ ચેર પર લાવવા માટે ૧૩૦ રૃપિયાને બદલે ૧૮૦ રૃપિયા ચૂકવવા પડશે. બીમાર વ્યકિતને સ્ટ્રેચર પર લઈ જવા માટે તમારે ૨૦૦ રૃપિયાની જગ્યાએ ૨૭૦ રૃપિયા ચૂકવવા પડશે. ઉપરોકત પોર્ટર દરો દેશભરના મુખ્ય રેલ્વે સ્ટેશનો (A1 અને A શ્રેણી) પર લાગુ થશે. તે જ સમયે, નાના રેલવે સ્ટેશનો પર દરો થોડા ઓછા હશે. રેલ્વે યાત્રીઓ પાસે જો નિર્ધારિત દર કરતા વધુ પૈસા માંગશે તો સ્ટેશન માસ્ટરને ફરિયાદ કરી શકશે. અધિકારીએ કહ્યું કે પોર્ટરના દરમાં વધારાથી તેમને આર્થિક રીતે ફાયદો થશે.

કુલીઓને આ સુવિધા મળી છે.રેલ્વે બોર્ડે સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા વર્ષો પહેલા પોર્ટરોને મફત તબીબી સારવાર, શિક્ષણ, ટ્રેન પાસ વગેરેની સુવિધા શરૃ કરી હતી. પોર્ટર્સ અને તેમના પરિવારજનોને રેલ્વે હોસ્પિટલોમાં મફત હોસ્પિટલમાં દાખલ કરવાની સુવિધા મળશે. જેમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ ધારકો આ સુવિધાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત દર વર્ષે કુલીઓને ત્રણ લાલ શર્ટ અને એક ગરમ શર્ટ આપવામાં આવે છે. વધુમાં, તેમને દર વર્ષે પાસ અને પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર (PTO) આપવામાં આવશે. પોર્ટર્સને સ્ટેશનો પર આરામ રૃમની સુવિધા પૂરી પાડવામાં આવી છે. તેમાં ટીવી, આરઓ પાણી અને બેડ વગેરે જેવી જરૃરી સુવિધાઓ હશે. તેમના બાળકોને રેલ્વે શાળામાં મફત શિક્ષણની સુવિધા છે.

(11:14 am IST)