Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ભારતમાં શિક્ષિત બેરોજગાર વધારે : દર ૨૯.૧% નોંધાયા

ILOનો ચોંકાવનારો રિપોર્ટ : માધ્યમિક અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો માટે બેરોજગારીનો દર ૧૮.૪% હતો

નવી દિલ્હી, તા.૩૦: ભારતમાં શિક્ષિત બેરોજગારી લાંબા સમયથી મોટી સમસ્યા રહી છે, એવામાં હાલમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ભારતમાં ભણેલા યુવાનને નોકરી મળવાની શક્યતા ઓછી છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)ના જણાવ્યા અનુસાર ભારતમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો કરતા શાળાનો અભ્યાસ ન કર્યો હોય એવા યુવાનોમાં બેરોજગારી દર ઓછો નોંધાયો છે.

ભારતના લેબર માર્કેટના અંગેના ILOના તાજેતરનો અહેવાલ દર્શાવે છે, ભારતમાં સ્નાતકોમાં બેરોજગારીનો દર ૨૯.૧% નોંધાયો હતો, જ્યારે વાંચી કે લખી શકતા ન હોય તેવા યુવાનો માટે બેરોજગારીનો દર ૩.૪% હતો. આમાં શિક્ષિત યુવાનો કરતા અશિક્ષિત યુવાનને રોજગાર મળવાની શક્યતા બધું છે. માધ્યમિક અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો માટે બેરોજગારીનો દર ૧૮.૪% હતો.

ILOના એહવાલ મુજબ 'ભારતમના યુવાનોમાં બેરોજગારી મુખ્ય સમસ્યા રહી છે, ખાસ કરીને માધ્યમિક સ્તર અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનોમાં આ સમસ્યા વધુ છે, બેરોજગારીની સમસ્યા સમય જતાં વધુ ઘેરી બની રહી છે.'

આંકડાઓ લેબર  ફોર્સની સ્કીલ અને બજારમાં સર્જાતી નોકરીઓ વચ્ચે તીવ્ર અસંગતતા સૂચવે છે. રીપોર્ટમાં ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઉપરાંત અન્ય જાણીતા અર્થશાસ્ત્રીઓની ચેતવણીનો પણ ઉલ્લેખ છે. અર્થશાસ્ત્રીઓની ચેતવણી મુજબ ભારતની નબળી શાળાકીય શિક્ષણ પદ્ધતિ સમયાંતરે તેની આર્થિક સંભાવનાઓ અવરોધશે.

ILO મુજબ ભારતમાં યુવા બેરોજગારીનો દર હવે વૈશ્વિક સ્તર કરતાં ઊંચો છે, ભારતીય અર્થતંત્ર નવા શિક્ષિત યુવા વર્ક ફોર્સ માટે બિન-ખેતી ક્ષેત્રોમાં પૂરતી મહેનતાણું આપી શકે એવી નોકરીઓનું સર્જન કરવામાં સક્ષમ નથી, જેના કારણે બેરોજગારી દર વધી રહ્યો છે.

ILO એ જણાવ્યું હતું કે વર્કફોર્સમાં મહિલાનો હિસ્સો ભારતમા ૨૫% જ નોંધાયો હતો.

અહેવાલમાં કહેવાતા ગીગ જોબ્સમાં થઇ રહેલા વધારા અથવા ફૂડ ડિલિવરી-કેબ ડ્રાઇવરો જેવી અસ્થાયી અને ઓછા પગારવાળી રોજગાર વિશે પણ ચેતવણી આપવામાં આવી છે. ડિજિટલ પ્લેટફોર્મે એમ્પ્લોઇ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યકિતઓ વચ્ચેના તફાવતને ઝાંખો કરી દીધો છે.

(10:39 am IST)