Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

વિદ્યાર્થીઓને નવું સત્ર શરૂ થાય તે પહેલાં નકલી શેક્ષણિક સંસ્થાઓની જાળમાં ન ફસાવા યુજીસીની ચેતવણી

કોઈપણ યુનિવર્સિટીની સ્થિતિ અંગે શંકા હોય તો યુજીસીની વેબસાઇટ પર ખાતરી થઈ શકે:નકલી યુનિવર્સિટીઓની યાદી પણ જાહેર કરાય છે:ચેરમેન પ્રો. એમ. જગદેશ કુમાર

નવી દિલ્હી:ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ હવે અંતિમ તબક્કામાં છે અને હવે વિદ્યાર્થીઓ પોતાને માટે યુનિવર્સિટીઓ અને કોલેજો શોધવાનું શરૂ કરશે. આ સમય દરમિયાન નકલી સંસ્થાઓનો ખેલ પણ શરૂ થયો છે જે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પોતાની સંસ્થાઓમાં પ્રવેશ અપાવવાની લાલચ આપે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ વિદ્યાર્થીઓને નવું સત્ર શરૂ થાય તે પહેલાં જ નકલી સંસ્થાઓની જાળમાં ન ફસાવાની ચેતવણી આપી છે અને યુજીસીની વેબસાઇટ પરથી કોઈપણ યુનિવર્સિટી વિશેની માહિતી મેળવી શકાય છે.

યુજીસી નકલી યુનિવર્સિટીઓની યાદી પણ જાહેર કરે છે અને આગામી દિવસોમાં ફરી એકવાર આ યાદી જાહેર કરવામાં આવશે. હાલ યુજીસીએ તામિલનાડુની બે સંસ્થાઓને જાહેર નોટિસ પાઠવીને કહ્યું છે કે, વિદ્યાર્થીઓએ આ સ્વઘોષિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લેવાનું ટાળવું જોઈએ.

 

યુજીસીના ચેરમેન પ્રો. એમ. જગદેશ કુમારે કહ્યું કે જો વિદ્યાર્થીઓને કોઈ પણ યુનિવર્સિટીની સ્થિતિ અંગે શંકા હોય તો તેઓએ યુજીસીની વેબસાઇટ પર ખાતરી કરવી જોઈએ. યુજીસી નકલી યુનિવર્સિટીઓ અને યુજીસીની માન્યતા ધરાવતી સંસ્થાઓ બંનેની યાદી જાહેર કરે છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ નકલી યુનિવર્સિટીઓનો શિકાર ન બને. સમયાંતરે રાજ્ય સરકારોને પત્ર પણ લખવામાં આવે છે કે, આવી યુનિવર્સિટીઓ સામે પગલાં લેવા અને તેને બંધ કરી દેવામાં આવે. ફરી એકવાર નવી યાદી જાહેર કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારોને પણ લખવામાં આવશે કે નિયમો વિરુદ્ધ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને તેમને બંધ કરી દેવા જોઈએ.

 

યુજીસીએ 28 માર્ચના રોજ જાહેર નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફોર ઓલ્ટરનેટિવ મેડિસિન્સ અને નેશનલ બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન્સ વિવિધ ડિગ્રી કોર્સ અને પ્રોગ્રામ્સ ચલાવી રહ્યા છે. આ બંને સંસ્થાઓ યુજીસી એક્ટ 1956ની વિરુદ્ધ અભ્યાસક્રમો ચલાવી રહી છે અને વિદ્યાર્થીઓને આ સંસ્થાઓમાં પ્રવેશ ન લેવા અપીલ કરવામાં આવી છે.

   
(8:59 pm IST)