Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

રાહુલ ગાંધી ક્યારેય વીર સાવરકરનું સ્થાન લઈ શકે નહીં:અનુરાગ ઠાકુર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીની સ્પષ્ટ વાત

નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ ગુરુવારે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ક્યારેય વીર સાવરકરનું સ્થાન લઈ શકે નહીં. જણાવી દઈએ કે, ભાજપે રાહુલ ગાંધી પર બ્રિટનની મુલાકાત દરમિયાન ભારતને 'બદનામ' કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની પાસેથી માફીની માંગણી કરી હતી. તેના પર લોકસભાના ભૂતપૂર્વ સભ્ય રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તે માંગશે નહીં, તે સાવરકર નથી ગાંધી છે.
 
અનુરાગ ઠાકુરે એક કાર્યક્રમમાં કહ્યું કે, 'તે (રાહુલ ગાંધી) સાવરકર શું બની શકે... કંઈ ન બની શકે, રાહુલ ક્યારેય સાવરકર નહીં બની શકે. નેહરુજી માફી માંગીને જેલમાંથી બહાર આવ્યા હતા. તેમણે 2018માં પણ માફી માંગી હતી, પછી તેઓ કહે છે કે, ગાંધી માફી માંગતા નથી.
 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોપોને લઈને અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટીના કન્વીનર પર પણ પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું કે, 'મને કેજરીવાલ પર હસવું પણ આવે છે અને રડવું પણ આવે છે. તેમની રાજનીતિ જૂઠાણાથી શરૂ થઈ હતી. તેમણે પુત્રીના શપથ લીધા હતા કે, તેઓ ક્યારેય રાજકારણમાં નહીં આવે.
 
તેમણે કહ્યું કે, 'હું કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ આપું છું કે, તે વિધાનસભામાં જે બોલ્યા છે, તે જાહેરમાં આવીને બોલે. જો તમારામાં હિમ્મત હોય તો ખુલ્લી સભામાં બોલવાનો પ્રયાસ કરો, તમે પણ જેલમાં જશો... જો તમે ખોટી હકીકતો રાખશો તો કોઈ પણ કેસ કરી દેશે. તેઓ જેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપતા હતા તેઓ જેલમાં છે. દારૂ કૌભાંડના કિંગ પિંગ અરવિંદ કેજરીવાલ છે.

 

(8:36 pm IST)