Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

શરીરમાં કોઇ સમસ્‍યા જણાય તો લીવર બરાબર કામ કરતુ નથીઃ 4 સંકેતો લીવરની ખરાબી સુચવે

લીવરનું મુખ્‍ય કામ ભોજનને પચાવી મેટાબોલિઝમ સારૂ રાખવાનું હોય છે

નવી દિલ્‍હીઃ આપણા શરીરનું કોઈ પણ અંગ ખરાબ થાય તો શરીરમાં તુરંત જ તેની અસર દેખાવા લાગે છે. તેવી જ રીતે જ્યારે અંગ સ્વસ્થ હોય ત્યારે પણ કેટલાક સંકેત મળે છે. ખાસ કરીને વાત કરીએ લીવરની તો લીવર જ્યારે સ્વસ્થ હોય અને બરાબર રીતે કામ કરતું હોય તો શરીરમાં આ સંકેતો જોવા મળે છે. દરેક વ્યક્તિને આ બાબતે ખબર હોવી જરૂરી છે કારણ કે જો તમારું લીવર હેલ્ધી હશે તો જ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમને એ ચાર સંકેતો વિશે જણાવીએ જેના પરથી તમે જાણી શકો છો કે તમારું લીવર હેલ્ધી છે અને બરાબર રીતે કામ કરી રહ્યું છે.

સ્વસ્થ લીવરના સંકેત

1. જ્યારે વ્યક્તિનું લીવર સ્વસ્થ હોય અને બરાબર રીતે કામ કરતું હોય તો શરીર એનર્જેટિક રહે છે. સાથે જ મેટાબોલિઝમ પણ બરાબર રીતે કામ કરતું હોય છે. જો તમારું મેટાબોલિઝમ બરાબર ન હોય તો તેનો અર્થ છે કે તમારું લીવર સારી રીતે કામ કરતું નથી.

2. લીવરનું મુખ્ય કામ ભોજનને પચાવવા સાથે મેટાબોલિઝમ સારું રાખવાનું છે. તેવામાં જો તમારું વજન વધવા લાગે તો તે ઈશારો છે કે તમારું મેટાબોલિઝમ બરાબર નથી. જેનો અર્થ એ પણ થાય છે કે તમારું લીવર બરાબર કામ કરતું નથી. જો તમારું હેલ્થી વેટ મેન્ટેન રહે છે તો તમારું લીવર સ્વસ્થ છે.

3. જ્યારે કોઈ વ્યક્તિનું લીવર બરાબર કામ કરતું હોય તો તેના કારણે ત્વચા અને આંખનો રંગ સામાન્ય હોય છે. પરંતુ જ્યારે લીવર બરાબર કામ ન કરતું હોય તો આંખ અને ત્વચા પીળી પડવા લાગે છે.

4. જો કોઈ વ્યક્તિને ભૂખ બરાબર લાગતી હોય અને ભોજન નિયમિત અને વ્યવસ્થિત રીતે કરી શકાતું હોય તો તેનો અર્થ છે કે લીવર હેલ્ધી છે. જો લીવર બરાબર કામ કરતું ન હોય તો તમને ભૂખ ઓછી લાગે છે અને તમે બરાબર જમી શકતા નથી.

(5:34 pm IST)