Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ઇંગ્‍લેન્‍ડનું સિંકહોલથી ભરેલુ અસુરક્ષિત ગામ થોર્પ હેમલેટઃ બાળકોને બહાર રમવા પર પ્રતિબંધ મુકતા માતા-પિતા

સતત વધી રહેલા સિંકહોલ ગમે ત્‍યારે બાળકોને ગળી જશે તેવી ગામ લોકોમાં દહેશત

નવી દિલ્‍હીઃ આજકાલ ફક્ત એક જ બાબત વિશે ચર્ચા ચાલી રહી છે કે માણસની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ છે. બાળકો હોય કે પુખ્ત વયના લોકો, તેઓ જોઈએ તેટલા શારીરિક રીતે સક્રિય રહી શકતા નથી. આવી સ્થિતિમાં માતાપિતા ઘણીવાર તેમને પાર્ક કે ઘરની બહાર રમવાની સલાહ આપે છે. જો કે એક એવી જગ્યા પણ છે જ્યાં માતાપિતા બાળકોને ઘરની અંદર રાખવા માંગે છે.

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર યુનાઈટેડ કિંગ્ડમમાં નોર્વિચ નામની જગ્યાએ લોકો પોતાના બાળકોને એકલા બહાર રમવા દેતા નથી. તેઓ હંમેશા આ સમયે ડરતા હોય છે કે જો બાળકો જશે તો તેઓ પાછા ફરી શકશે કે નહીં. એવું નથી કે અહીં કોઈ ગુનેગાર કે ભૂત-પિશાચ રહે છે. અહીંયા માતા-પિતાને પોતાના બાળકો ધરતીની અંદર દટાઈ જવાનો ડર પરેશાન કરે છે. કારણ કે આ આખું ગામ એવી જગ્યાએ આવેલું છે જે સુરક્ષિત નથી.

માતા-પિતા તેમને ઘરની બહાર જવા દેતા નથી:

Thorpe Hamlet નામના નાના ગામમાં બાળકો માટે એકલા ઘરની બહાર નીકળવું અત્યંત જોખમી બની ગયું છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે આ વિસ્તારની સુરક્ષા માટે કંઈક કરવાની જરૂર છે. ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે તેઓ તેમના બાળકોને ઘરની અંદર રમવાની સલાહ આપે છે. કારણ કે ઘરની બહાર રસ્તા પર એટલા બધા સિંકહોલ એટલે કે ભૂવા બની ગયા છે કે ક્યારે અને કોણ અંદર પડી જશે તે કહી શકાય નહીં. એટલું જ નહીં આ લોકોની સમસ્યા એ છે કે સિંક હોલ્સ સતત વધી રહ્યા છે અને તેઓ ગમે ત્યારે તેમના ઘરને ગળી શકે છે. આવી સ્થિતિમાં તેમણે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું લગભગ બંધ કરી દીધું છે.

ઉભા-ઉભા મોટા વૃક્ષ ગાયબ થઈ ગયા:

ગામલોકોને સૌપ્રથમ સિંક હોલ એટલે કે ભૂવા વિશે ત્યારે જાણ થઈ જ્યારે તેમના બગીચામાં રહેલું એક વૃક્ષ ગાયબ થઈ ગયું. ઓથોરિટીએ આવા ખાડાઓના કિનારે વાડ લગાવી દીધી છે, પરંતુ વધુ પગલાં લેવાની જરૂર છે. હાલમાં જ આ ગામમાં 12 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો હતો. જે બાદ ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. હવે તેમને લાગે છે કે આવા સિંક હોલ્સ ગમે ત્યારે તેમના સ્થિર જીવનને ખતમ કરી શકે છે.

(5:29 pm IST)