Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સલમાન ખાન સામે નોંધાયેલ ફરીયાદ બોમ્‍બે હાઇકોર્ટે રદ કરી

પત્રકાર સાથે મારપીટ કેસ

મુંબઈ, તા.૩૦: બોલિવૂડ સ્‍ટાર સલમાન ખાન સતત ચર્ચામાં રહે છે.સલમાનને ગેંગસ્‍ટર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે બાદ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્‍યો હતો. સાથે જ એક કેસમાં અભિનેતાને બોમ્‍બે હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. આ રાહત તેમને એ કેસમાં આપવામાં આવી છે, જેમાં પત્રકારે તેમના પર ગંભીર આરોપ લગાવ્‍યા હતા.

બોમ્‍બે હાઈકોર્ટે પત્રકાર સાથે મારપીટ અને દુર્વ્‍યવહારના ૨૦૧૯ના કેસમાં અભિનેતા વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ આપ્‍યો છે. આ માટે ભાઈજાનને અંધેરી કોર્ટમાં હાજર રહેવું નહિ પડે. વર્ષ ૨૦૧૯માં પત્રકાર અશોક પાંડેએ સલમાન ખાન વિરુદ્ધ મારપીટનો આરોપ લગાવતા એફઆઈઆર દાખલ કરી હતી. જે બાદ તેને અંધેરી કોર્ટના આદેશ મુજબ ત્‍યાં હાજર થવું પડ્‍યું હતું. પરંતુ હવે સલમાને અંધેરી કોર્ટમાં હાજર થવું નહીં પડે એવો આદેશ હાઇકોર્ટે આપ્‍યો છે.

બોમ્‍બે હાઈકોર્ટના આદેશ મુજબ અંધેરી કોર્ટે જારી કરેલા સમન્‍સને પણ હાઈકોર્ટે રદ કરી દીધું છે. વળી, આદેશમાં કહેવામાં આવ્‍યુ છે કે સલમાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પણ રદ્દ કરવામાં આવે. ધમકીઓ મળ્‍યા બાદ મુશ્‍કેલીના સમયમાંથી પસાર થઇ રહેલા સલમાન માટે આ આદેશ રાહત આપનારો છે તે સ્‍પષ્ટ છે. વર્ષ ૨૦૧૯માં પત્રકાર અશોક પાંડેએ સલમાન વિરુદ્ધ મારપીટ માટે એફઆઈઆર નોંધાવી હતી.

(4:07 pm IST)