Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને વધુ એક મોટો ફટકો ! પટના કોર્ટથી સમન્‍સ

સુશીલ મોદીએ ૨૦૧૯માં કેસ દાખલ કર્યો હતો રાહુલ ગાંધી આ કેસમાં જામીન પર છે : રાહુલ ગાંધીને ૧૨ એપ્રિલે પટનાની એમપી એમએલએ કોર્ટમાં હાજર થવા જણાવાયું

પટના, તા.૩૦: બિહારની રાજધાની પટનાની એક કોર્ટે રાહુલ ગાંધીને ૧૨ એપ્રિલે સૂરત કેસ જેવા જ માનહાનીના અન્‍ય એક કેસમાં રજૂ કરવા માટે કહ્યું છે. આની પહેલા સુરત કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગત સપ્તાહે ૨ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બિહારની રાજધાનીમાં સાંસદ, ધારાસભ્‍ય અને એમએલસી કોર્ટે વિશેસ ન્‍યાયાધીશના ભાજપ નેતા અને રાજ્‍યસભા સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા દાખલ કરાયેલી અરજી પર રાહુલ ગાંધીને નિવેદન આપવા જણાવ્‍યું છે. રાહુલ ગાંધી આ કેસમાં અત્‍યારે જામીન પર છે.

સુશીલ મોદીના વકીલ એસડી સંજયે ઈકોનોમિક ટાઈમ્‍સને જણાવ્‍યું હતું કે ફરિયાદી પક્ષના તમામ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્‍યા છે અને તમામ પુરાવા રજૂ કરવામાં આવ્‍યા છે. હવે આ મામલો રાહુલ ગાંધીના નિવેદન માટે પેન્‍ડિંગ છે અને તેમનું નિવેદન નોંધવા માટે ૧૨ એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.

જોકે, સૂત્રોએ જણાવ્‍યું હતું કે રાહુલ ગાંધી ૧૨ એપ્રિલે હાજર નહીં થાય અને તેમના વકીલ અંશુલ કુમાર આ કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે બીજી તારીખ માંગી શકે છે.

આ કેસ ૨૦૧૯માં ભાજપના નેતા અને રાજ્‍યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ દાખલ કર્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્‍યો હતો કે રાહુલ ગાંધીએ ‘મોદી' સમુદાયનું અપમાન કર્યું છે. ત્‍યારબાદ આ કેસમાં કોંગ્રેસના નેતાએ કોર્ટ સમક્ષ આત્‍મસમર્પણ કર્યું અને જામીન મેળવ્‍યા હતા. જ્‍યારે સુરતમાં ગુજરાતના ભાજપના ધારાસભ્‍ય દ્વારા કેસ નોંધવામાં આવ્‍યો હતો.

બિહાર કેસમાં પાંચ સાક્ષીઓ છે, જેમાં સુશીલ કુમાર મોદીનો સમાવેશ થાય છે. જેઓ ઓગસ્‍ટ ૨૦૨૨માં પોતાનું નિવેદન નોંધનારા છેલ્લા સાક્ષી હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફરિયાદીએ આ કેસમાં પોતાની પાસે રહેલા પુરાવા રજૂ કર્યા હતા.

(3:56 pm IST)