Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટુ નુકસાન થવાનું અનુમાન

એબીપી સી વોટર ઓપિનિયમ પોલ અનુસાર, કર્ણાટકમાં આ વખતે ભાજપને ૬૮થી ૮૦ની વચ્‍ચે વિધાનસભા સીટથી સંતોષ કરવો પડશે : રાજયમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે

નવી દિલ્‍હી,તા. ૩૦ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચુક્‍યો છે. ચૂંટણી પંચે રાજયમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજયમાં ચૂંટણીની તારીખની સાથે સાથે કેટલીય ન્‍યૂઝ ચેનલોએ પોતાના રાજયમાં વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના ઓપિનિયન પોલ પણ જાહેર કરી દીધા છે. ન્‍યૂઝ ચેનલ એબીપી દ્વારા સી વોટરની સાથે મળીને કરવામાં આવેલા ઓપિનિયન પોલ અનુસાર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપને મોટુ નુકસાન થવાનું અનુમાન છે.

એબીપી સી વોટર ઓપિનિયમ પોલ અનુસાર, કર્ણાટકમાં આ વખતે ભાજપને ૬૮થી ૮૦ની વચ્‍ચે વિધાનસભા સીટથી સંતોષ કરવો પડશે. રાજયમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. કોંગ્રેસને કર્ણાટકમાં ૧૧૫થી ૧૨૭ વિધાનસભા સીટ મળી શકે છે. જયારે કુમારસ્‍વામીની પાર્ટી જેડીએસને ૨૩થી ૩૫ સીટો મળી શકે છે. ઓપિનિયન પોલમાં અન્‍ય દળને પણ શૂન્‍યથી ૨ સીટો મળવાની શક્‍યતા છે.

વર્ષ ૨૦૧૮માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૧૦૪ સીટ પર જીત મળી હતી. જયારે કોંગ્રેસ પાર્ટીને ૭૮ સીટ મળી હતી. રાજયમાં ત્રીજા નંબર પર કુમારસ્‍વામીની પાર્ટી જેડીએસ ૩૭ સીટો સાથે ત્રીજા નંબરે આવી હતી. કર્ણાટકમાં બીએસપીને ૧ સીટ, કેપીજેપીને ૧ તથા અપક્ષને એક સીટ મળી હતી.

એબીપી ન્‍યૂઝ અને સી વોટરના ઓપિનિયમ પોલમાં કર્ણાટકમાં ભાજપને ૩૫ ટકા વોટ મળવાના અનુમાન છે. વોટ શેરના મામલે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહેવાનું અનુમાન છે. રાજયમાં કોંગ્રેસને કુલ વોટના ૪૦ ટકા મળી શકે છે. કુમારાસ્‍વામીની પાર્ટીને ૧૮ ટકા વોટ જયારે અન્‍ય પાર્ટીને ૭ ટકા વોટ મળવાનું અનુમાન છે.

(11:39 am IST)