Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સ્‍ટ્રીટ ડોગ્‍સ સાથે ધિક્કારપણું અને ક્રૂરતા સ્‍વીકાર્ય નથીઃ હાઈકોર્ટ

આ પ્રાણીઓ પણ સમાજનો એક ભાગ છેઃ આપણે એમની કાળજી લેવી પડશે

મુંબઇ,તા. ૩૦ : એક હાઉસિંગ સોસાયટીમાં શ્વાનને ખોરાક આપવા માટેની જગ્‍યા નક્કી કરવા અંગે રહેવાસીઓ વચ્‍ચે સમસ્‍યા ઊભી થતાં હાઈ કોર્ટે નોંધ્‍યું હતું કે સ્‍ટ્રીટ ડોગ્‍સ પ્રત્‍યે ઘૃણા કરવી અને એમની સાથે ક્રૂરતાપૂર્વક વ્‍યવહાર કરવો એ સભ્‍ય સમાજમાં યોગ્‍ય અભિગમ ન કહેવાય.

જસ્‍ટિસ જી. એસ. કુલકર્ણી અને આર. એન. લોઢાની ડિવિઝન બેન્‍ચે મંગળવારે વકીલો અને ન્‍યાયાધીશોનું ઉદાહરણ આપ્‍યું હતું, જેઓ હાઈ કોર્ટ બિલ્‍ડિંગના સંકુલમાં ઘણા રખડતા કૂતરા અને બિલાડીઓની સંભાળ લે છે. કોર્ટે ઉમેર્યું હતું કે ‘આ પ્રાણીઓ પણ સમાજનો એક ભાગ છે. આપણે એમની કાળજી લેવી પડશે.'

એક મહિલા દ્વારા અરજી કરવામાં આવી હતી. તેમનો દાવો છે કે તેઓ પ્રાણીપ્રેમી છે અને કાંદિવલીમાં ૧૮ રખડતા શ્વાનોની સંભાળ રાખે છે. તેમણે કહ્યું હતું કે તેમને શ્વાનને ખવડાવવા અને કાળજી લેવા માટેની મંજૂરી આપવામાં નથી આવી તથા યોગ્‍ય જગ્‍યા પણ આપવામાં નથી આવતી. તેમના કહેવા મુજબ સોસાયટીના મેનેજમેન્‍ટે તેમને રોકવા માટે બાઉન્‍સરો હાયર કરવાનો નિર્દેશ જારી કર્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે અમે સોસાયટીની મેનેજિંગ કમિટીના તથા બાકીના સભ્‍યોને ચેતવણી આપી રહ્યા છીએ કે સ્‍ટ્રીટ ડોગ્‍સ પ્રત્‍યેની આ વર્તણૂક સ્‍વીકાર્ય અભિગમ ન હોઈ શકે. નાગરિક સમાજની વ્‍યક્‍તિ તરીકે આ પ્રકારનું કૃત્‍ય બંધારણીય સિંદ્ધાતો અને કાનૂની જોગવાઈની વિરુદ્ધ હશે.' આ મામલાની વધુ સુનાવણી છઠ્ઠી એપ્રિલે રાખી હતી.

(11:37 am IST)