Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જીએસટી ટ્રિબ્‍યુનલ બનાવવાની તજવીજ શરૂ

પ્રિન્‍સિપલ જજ, સ્‍ટેટ અને સેન્‍ટ્રલ જીએસટીના અધિકારી ટ્રિબ્‍યૂનલમાં હશેજીએસટી કેસોનો નિકાલ કરવા માટે પાંચ વર્ષ પછી ટ્રીબ્‍યુનલ બનાવવા તૈયારીઓ

નવી દિલ્‍હી,તા. ૩૦ : જીએસટીને લગતા કેસનો નિકાલ કરવા માટેની વ્‍યવસ્‍થા નહીં હોવાના કારણે કરદાતાએ નાછૂટકે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડતા હોય છે. તેના માટે જીએસટી લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારથી ટ્રિબ્‍યૂનલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. આખરે તેનો સ્‍વીકાર કરીને આગામી દિવસોમાં તમામ રાજયમાં જીએસટી ટ્રિબ્‍યૂનલ બનાવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

જુલાઇ ૨૦૧૭માં  જીએસટીનો કાયદો અમલમાં આવ્‍યા બાદ જીએસટીને લગતા કેસ પણ ઊભા થવા માંડયા. આ કેસનો અપીલમાં કરદાતાને સંતોષકારક જવાબ નહીં મળતા ટ્રિબ્‍યૂનલમાં જવાનું હોય છે, પરંતુ જીએસટી લાગુ થયા બાદ આજદિન સુધી ટ્રિબ્‍યૂનલ બનાવવામાં આવી નહીં હોવાના લીધે કરદાતાએ કેસના નિકાલ માટે હાઇકોર્ટમાં જવું પડતું હોય છે. જો આ વ્‍યવસ્‍થા સ્‍થાનિક સ્‍તરે કરવામાં આવે તો કરદાતાએ હાઇકોર્ટમાં જવામાંથી છુટકારો મળે તેમજ કેસનો પણ ઝડપથી નિકાલ થઇ શકે તેમ છે. આ માટે જીએસટી લાગુ કરવામાં આવ્‍યા બાદથી જ ટ્રિબ્‍યૂનલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તે માંગણીને ફાઇનાન્‍સ બિલમાં સ્‍વીકારી લેવામાં આવી છે.

તેમજ ટ્રિબ્‍યૂનલમાં પ્રિન્‍સિપલ જજની સાથે સેન્‍ટ્રલ અને સ્‍ટેટ જીએસટીના અધિકારીની પણ નિમણૂક કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. જેથી આગામી થોડા દિવસોમાં દેશના તમામ રાજયમાં જીએસટી ટ્રિબ્‍યૂનલની રચવા કરી દેવામાં આવે તે માટેની તૈયારીઓ કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. (૨૨.૫)

કોર્ટ કેસનું ભારણ ઘટાડવા ટ્રિબ્‍યૂનલ ખૂબ જ જરૂરી

જીએસટીની રકમ વધુ ભરવા, ટેક્‍સની રકમમાં વિસંગતતા, અધિકારીઓ દ્વારા કરવામાં આવતી એક તરફી કાર્યવાહી, કરદાતાના બેંક એકાઉન્‍ટ સીઝ કરી દેવા સહિતના મુદ્દે હાલમાં કરદાતાએ હાઇકોર્ટમાં જ જવું પડતું હોય છે. તેમાં પણ કરદાતાએ નાની રકમ ભરપાઇ કરવાની હોય તેવા કિસ્‍સામાં હાઇકોર્ટમાં ગયા વિના અધિકારી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી યોગ્‍ય માની લેવામાં આવતી હોય છે. જયારે લાખ્‍ખો રૂપિયાનો જીએસટી ભરપાઇ કરવાના કિસ્‍સામાં જ કરદાતા દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવાતા હોય છે. જયારે ટ્રિબ્‍યૂનલની રચના કરવામાં આવે તો આવા તમામ કેસનો નિકાલ તેમાં થઇ શકવાના લીધે હાઇકોર્ટમાં કરતા જીએસટીને લગતા કેસની સંખ્‍યા ઘટી શકે તેમ છે.

સુરત, અમદાવાદ અને રાજકોટમાં ટ્રિબ્‍યૂનલ બનવાની શકયતા

રાજયમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં ટ્રિબ્‍યૂનલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જોકે ટ્રિબ્‍યૂનલ બનાવવાની વાત કોરોનાકાળ પહેલા પણ ઊઠી હતી. ત્‍યારબાદ આગામી નાણાકીય વર્ષમાં તેની રચના કરી દેવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. તેના કારણે ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં ટ્રિબ્‍યૂનલ બનાવવામાં આવે તેવી શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે. તેમજ ઝડપથી તે બને તેવી આશા કરદાતા સેવી રહ્યા છે.

ટ્રિબ્‍યૂનલના ચુકાદા બાદ અન્‍ય રાજયમાં અમલ મુદે અસમંજસ

જીએસટીના લગતા જે પણ ચુકાદા અલગ અલગ રાજયમાં આવે છે, તે પૈકી સરકારને લાભ થતો હોય તેવા ચુકાદાનો અમલ સ્‍ટેટ અને સેન્‍ટ્રલ જીએસટી દ્વારા કરવામાં આવતો હોય છે, પરંતુ કરદાતાની તરફેણમાં કોઇ પણ રાજયની હાઇકોર્ટે ચુકાદો આપ્‍યો હોય તો તેનો અમલ અન્‍ય રાજયના જીએસટી અધિકારીઓ સ્‍વીકારતા નથી. તેના લીધે ટ્રિબ્‍યૂનલમાં પણ આવતા ચુકાદામાં આવી જ સ્‍થિતિ ઊભી થવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી.

(12:09 pm IST)