Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

શું દિવસો આવ્‍યા છે ? પાકિસ્‍તાનમાં મફતનો લોટ લેવા માટે ભાગદોડ - ધક્કામુક્કી : ૧૧ મોત : ૬૦ને ઇજા

પંજાબ પ્રાંતની ઘટના : ગરીબોને મફત પ્‍લોટ યોજના શરૂ કરાતા હોબાળો

ઇસ્‍લામાબાદ તા. ૩૦ : પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતમાં તાજેતરના દિવસોમાં રાજય વિતરણ કંપની પાસેથી મફત લોટ મેળવવાનો પ્રયાસ કરતી વખતે મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, સરકાર દ્વારા ગરીબો માટે, ખાસ કરીને પંજાબ પ્રાંતમાં, આકાશી મોંઘવારીથી રાહત આપવા માટે મફત લોટ યોજના શરૂ કર્યા પછી પાકિસ્‍તાનમાં સરકારી વિતરણ કેન્‍દ્રો પર અનેક મૃત્‍યુ નોંધાયા હતા.

આ યોજનાનો ઉદ્દેશ્‍ય પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાને ઓછી કરવાનો છે. દક્ષિણ પંજાબના ચાર જિલ્લાઓ - સાહિવાલ, બહાવલપુર, મુઝફફરગઢ અને ઓકારામાં મફત લોટ કેન્‍દ્રો પર મંગળવારે બે વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષના મોત થયા હતા, જયારે ૬૦ અન્‍ય ઘાયલ થયા હતા. અન્‍ય જિલ્લાઓ જયાં મૃત્‍યુ નોંધાયા છે તેમાં ફૈસલાબાદ, જહાનિયા અને મુલતાનનો સમાવેશ થાય છે.

મફત લોટ મેળવવા માટે લાંબી કતારોમાં રાહ જોતા નાગરિકોને લાઠીચાર્જ કરવાનો આરોપ પોલીસ પર છે. મુઝફફરગઢ અને રહીમ યાર ખાન શહેરોમાં મફત લોટની ટ્રકો લૂંટાયા બાદ સુરક્ષા દળોએ પણ કડક વલણ અપનાવ્‍યું હતું.

પંજાબના કેરટેકર મુખ્‍યમંત્રી મોહસિન નકવીએ બુધવારે કહ્યું કે મેં સવારે ૬ વાગ્‍યે ફ્રી લોટ સેન્‍ટર ખોલવાની જાહેરાત કરી છે.

(11:06 am IST)