Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

૧ એપ્રીલથી ૧૫ વર્ષ જૂના વાહનો માટે ફીટનેસ ટેસ્‍ટ થઇ શકે છે ફરજીયાત

ગુજરાતમાં છે માત્ર ૪ ફીટનેસ ટેસ્‍ટીંગ સેન્‍ટર : રાજ્‍યમાં ૧.૪૭ કરોડ ટુ-વ્‍હીલર, ૩૮.૪૫ લાખ કાર અને ૧૯.૬૮ લાખ ટ્રાન્‍સપોર્ટ વ્‍હીકલ્‍સ : ૨૫ ટકા વાહનો છે ૧૫ વર્ષ જૂના જેને ફીટનેસ સર્ટીની જરૂર પડશે

 

નવી દિલ્‍હી તા. ૩૦ : કેન્‍દ્રીય વાહન વ્‍યવહાર અને હાઇવે મંત્રાલય ૧ એપ્રીલથી ભારે વાહનો અને ૧ જૂનથી હળવા વાહનો માટે ફીટનેસ ટેસ્‍ટ ફરજીયાત બનાવી શકે છે પણ ગુજરાતમાં તેનું અમલીકરણ અઘરૂં કામ બની શકે છે. સરકારના ટોચના સૂત્રોએ કહ્યું કે, સરકાર એટીએસ (ઓટોમેટેડ ટેસ્‍ટીંગ સ્‍ટેશન) દ્વારા ફરજીયાત ટેસ્‍ટીંગની તારીખ લંબાવી શકે છે. એક ઉચ્‍ચ અધિકારી અનુસાર, રાજ્‍યને ઓછામાં ઓછા ૩૦ એટીએસની જરૂર પડશે અને માત્ર અમદાવાદમાં જ ૩ એટીએસની જરૂર પડશે.

તેની સામે રાજ્‍યમાં અત્‍યારે ફકત ૪ ઓટોમેટેડ ટેસ્‍ટીંગ સેન્‍ટરો, સુરત, નડીયાદ, અમરેલી અને મહેસાણા છે. વાહન વ્‍યવહાર વિભાગના એક અધિકારીએ કહ્યું ‘વાહનોની સંખ્‍યા લાખોમાં છે જેમાંથી ઘણાં વાહનો ૧૨ થી ૧૫ વર્ષ જૂના વે. માત્ર ૪ એટીએસ સાથે આનું ટેસ્‍ટીંગ બહુ અઘરૂં છે. એમાં પણ ગુડઝ વ્‍હીકલનું ફીટનેસ ટેસ્‍ટીંગ પહેલા ૮ વર્ષ માટે દર બે વર્ષે અને પછી દર વર્ષે કરાવવાનું હોય છે.'

અન્‍ય એક અધિકારીએ કહ્યું ‘અત્‍યારે ચાર જ એટીએસ છે, જ્‍યારે ૨૦૦ વધારે એટીએસની પ્રાથમિક પરવાનગી અપાઇ ચૂકી છે. પણ આ સેન્‍ટરો ૧ થી ૨ વર્ષ પછી જ ચાલુ થઇ શકશે. સામાન્‍ય રીતે આના માટે ૨ પ્રકારની પરવાનગીઓ અપાતી હોય છે. પહેલા પ્રાથમિક પરવાનગી અપાય છે જ્‍યારે તેઓ અરજી કરે છે. ત્‍યારપછી તેમને જમીન ખરીદવા અને જરૂરી ઉપકરણો જેની કિંમત પોણા બે થી બે કરોડ થાય છે તે ખરીદવા માટે કહેવાય છે. આ ઉપકરણો લાગી ગયા પછી તેમને ટેસ્‍ટીંગનું કામ શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવતી હોય છે.'

(11:27 am IST)