Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મહારાષ્‍ટ્રના સંભાજીનગરમાં મોડી રાત્રે બે જૂથ વચ્‍ચે અથડામણ : પથ્‍થરમારો : આગચંપી

બે યુવકો વચ્‍ચે ઝઘડો થયા બાદ સ્‍થિતિ વણસી : પોલીસ ઘટના સ્‍થળે : શાંતિની અપીલ

મુંબઇ તા. ૩૦ : મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરામાં બે સમુદાયો વચ્‍ચે જબરદસ્‍ત હિંસા થઈ છે. કિરાડપુરા સ્‍થિત રામ મંદિરની બહાર બપોરે ૧૨.૩૦ કલાકે બે યુવકો વચ્‍ચે નાની અથડામણ થઈ હતી. આ પછી કેટલાક લોકો મોટી સંખ્‍યામાં એકઠા થયા હતા. આ પછી પથ્‍થરમારો શરૂ થયો. બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. બદમાશોએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. આ સિવાય બોમ્‍બ વિસ્‍ફોટની ઘટના પણ સામે આવી છે.

હિંસાની ઘટના બાદ કેટલાક મુસ્‍લિમ ધર્મગુરૂઓ આગચંપી સ્‍થળ પર પહોંચ્‍યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

આ દરમિયાન સ્‍થાનિક સાંસદ ઈમ્‍તિયાઝ જલીલ પોતે ઔરંગાબાદના કિરાડપુરા રામ મંદિર પહોંચ્‍યા અને કહ્યું કે રામ મંદિરમાં કોઈ મામલો બન્‍યો નથી. જે પણ ઘટના બની છે તે રામ મંદિરની બહાર જ બની છે.

સંભાજીનગર પોલીસ અધિકારી સીપીનું કહેવું છે કે બે યુવકો વચ્‍ચેની ઘટના મોટા ઝઘડામાં ફેરવાઈ ગઈ. આ પછી પથ્‍થરમારો શરૂ થયો અને પોલીસ સહિત અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી. પોલીસે બળપ્રયોગ કરીને બધાને હટાવી દીધા છે અને અત્‍યારે શાંતિ છે. પોલીસે તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આજે સવારની તસવીરો સંભાજીનગરમાંથી સામે આવી છે. જેમાં પોલીસકર્મીઓ હિંસા સ્‍થળની સફાઈ કરતા જોવા મળે છે. હાલમાં શહેરમાં શાંતિ છે પરંતુ રસ્‍તા પર બહુ ઓછા લોકોની અવરજવર જોવા મળી રહી છે.

હાલ પોલીસ દ્વારા પરિસ્‍થિતિને કાબૂમાં લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. પોલીસે કિરાડપુરા વિસ્‍તારમાં ટીયર ગેસના શેલ પણ છોડ્‍યા છે. વાહનોમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્‍થળે મોકલવામાં આવી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર આ મામલો રાત્રે સાડા બાર વાગ્‍યાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે સંભાજીનગરમાં મંદિરની બહાર હિંસા શરૂ થઈ હતી. આ જોઈને બંને પક્ષના લોકો મોટી સંખ્‍યામાં એકઠા થઈ ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્‍યા. કારોને ફૂંકી મારવામાં આવી હતી. આ દરમિયાન પથ્‍થરમારો થયો હતો અને બોમ્‍બ પણ ફેંકવામાં આવ્‍યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા અને પરિસ્‍થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિસ્‍તારમાં હજુ પણ તણાવ છે. સ્‍થિતિને જોતા મોટી સંખ્‍યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્‍યા છે.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્‍તારમાં મોડી રાતે ૧૨.૩૦ વાગ્‍યે બે જૂથો વચ્‍ચે અથડામણના અહેવાલ આવ્‍યા  છે. અહીં પથ્‍થરમારો પણ થયો હતો. કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે લોકોને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો અને હવે સ્‍થિતિ શાંતિપૂર્ણ છે. છત્રપતિ સંભાજીનગરના સીપી નિખિલ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે સાંસદ ઈમ્‍તિયાઝ જલીલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, નશાખોરોએ આતંક મચાવ્‍યો છે. પોલીસ ઘટનાસ્‍થળે મોડી પહોંચી હતી. કોઈ વરિષ્ઠ અધિકારી ન હતા. તેની વિગતે તપાસ થવી જોઈએ. આ ઘટના ટીકાને પાત્ર છે. હું લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવા માંગુ છું. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્‍યું કે, આ ઘટના રાત્રે ૧૨.૩૦ વાગ્‍યે બની હતી. કેટલાક છોકરાઓએ આ ઘટનાને અંજામ આપ્‍યો છે. હું શાંત રહેવા અપીલ કરૂં છું. તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.

રામનવમી નિમિતે શહેરના વિવિધ સ્‍થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શહેરની મિશ્ર વસ્‍તી ધરાવતા કિરાડપુરા સ્‍થિત રામ મંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. રાત્રે બાર વાગ્‍યાની આસપાસ યુવાનોનું ટોળું મંદિર તરફ જઈ રહ્યું હતું. અહીંથી જ તંગદિલીની શરૂઆત થઈ. પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક યુવકો મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા અને સૂત્રોચ્‍ચાર કરી રહ્યા હતા, ત્‍યારબાદ તેઓએ યુવકોને ટક્કર મારી અને તેમની વચ્‍ચે બોલાચાલી થઈ. બાદમાં વિવાદ વકર્યો હતો. સૂત્રોચ્‍ચાર થતાં જ બંને જૂથો સામસામે આવી ગયા હતા.

તોફાનીઓએ મંદિરની સામે ઉભેલા પોલીસ વાહનને આગ ચાંપી દીધી હતી. ટોળું સાંભળવા તૈયાર ન હતું. થોડી જ વારમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ભારે દળ ઘટનાસ્‍થળે પહોંચી ગયું હતું. પરંતુ લોકોએ પથ્‍થરમારો કરીને કારના કાચ પણ તોડી નાખ્‍યા હતા. પરિણામે ભીડને કાબૂમાં લેવા પોલીસે ગોળીબાર કર્યો હતો. બાદમાં ફાયર વિભાગની ગાડીઓએ આગને કાબુમાં લીધી હતી. સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર, જયારે ભીડે સાંભળ્‍યું ન હતું ત્‍યારે ધાર્મિક નેતાને બોલાવવામાં આવ્‍યા હતા. આઝાદ ચોકથી સિટી ચોક સુધી સમગ્ર પોલીસ બંદોબસ્‍ત રોડ પર હતો. અત્‍યારે સ્‍થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. તમને જણાવી દઈએ કે, ૨ તારીખે અહીં મહાવિકાસ અઘાડીની રેલી પણ યોજાવાની છે.

AIMIMના રાષ્ટ્રીય કાઉન્‍સિલર મોહમ્‍મદ નસીરૂદ્દીને રામ મંદિરની અંદરનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે કેટલાક ખોટા સમાચાર ફેલાવવામાં આવ્‍યા હતા કે કેટલાક બદમાશોએ મંદિર પર હુમલો કર્યો હતો.' તેમણે કહ્યું કે ઔરંગાબાદના સાંસદ ઈમ્‍તિયાઝ જલીલ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા અને શહેરમાં શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્‍યાન ન આપવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની પૂર્વ ઉદ્ધવ ઠાકરે સરકારે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રાખી દીધું હતું. તેને લઈને પણ ઉદ્ધવ ઠાકરેઅ ને એકનાથ શિન્‍દે તથા દેવેન્‍દ્ર ફડણવીસ જૂથ વચ્‍ચે ક્રેડિટ મેળવવા વોર ચાલી રહ્યું હતું. AIMIMના સાંસદ ઈમ્‍તિયાઝ જલીલે નામ બદલવાનો વિરોધ કર્યો હતો.

(10:52 am IST)