Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભારતીય ખેલાડીઓની ફિટનેસને લઈ BCCI કડક:આઈપીએલમાં GPS ઉપકરણોની મદદથી ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખશે

આ ઉપકરણ ક્રિકેટરના જેકેટમાં હશે: જે ખેલાડીઓની ફિટનેસ અંગે જોડાયેલી માહિતી આપશે

મુંબઈ: શુક્રવારથી IPL 2023ની શરુઆત થનાર છે. ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. તમામ ટીમોને ખેલાડીઓને ઓવરલોડ ન કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી ખેલાડીઓ આગામી WTC અને WC 2023 માટે તૈયાર રહે. તાજેતરમાં ઘણા ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે જેના કારણે BCCI કડક બન્યું છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ વખતે IPLમાં GPS ઉપકરણોની મદદથી ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખશે.

 

બધા ખેલાડીઓએ તેને પ્રેક્ટિસ અને રમત દરમિયાન આ ઉપકરણ પહેરવું જ પડશે. આ ઉપકરણ ખેલાડીની ફિટનેસ સંબંધિત લગભગ 500 વિવિધ પ્રકારની માહિતી આપશે. આ માહિતીમાં ખેલાડીનું એનર્જી લેવલ,સ્પીડ ,હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર વગેરેનો સમાવેશ થાય છે.ડિવાઈઝ એ પણ જણાવશે કે,જેનાથી આગળ વર્કલોડ પ્લેયરને ઈજા પહોંચાડી શકે છે.

 

IPLમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખવા માટે BCCIની એજીએમમાં ​​ત્રણ મહિના પહેલા વર્કલોડ મેનેજમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. IPL પુરી થયા પછી તરત જ ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. આ ઉપરાંત ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સીનિયર અને મહત્વપૂર્ણ ખેલાડીઓને ઇજા ન થાય તે માટે ફ્રેન્ચાઇઝીઓ સાથે વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરવામાં આવશે.

(10:40 pm IST)