Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

રાહુલ 5 એપ્રિલે કોલારથી સત્યમેવ જયતે અભિયાન શરૂ કરશે:મોદી અટક વિશે ૨૦૧૯માં કોલારથી જ ટિપ્પણી કરેલ

નવી દિલ્હી:રાહુલનું લોકસભા સભ્યપદ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવામાં રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારથી પાર્ટીના રાષ્ટ્રવ્યાપી ‘સત્યમેવ જયતે’ અભિયાનની શરૂઆત કરશે. 

 

આ એ જ કોલાર છે જ્યાંથી 2019 માં રાહુલે મોદી અટક પર ટિપ્પણી કરી હતી, જેના માટે તેને સુરતની અદાલત દ્વારા ફોજદારી માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી.

 

પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલાર આવશે અને અહીંથી સત્યમેવ જયતે અભિયાનની શરૂઆત કરશે. આ માટે તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓની હાજરીમાં રાહુલ ગાંધી કોલારની ધરતીથી પરિવર્તનનો સંદેશ આપશે.

 

રાહુલની લોકસભાની સદસ્યતા રદ કરવા અંગે આનંદ શર્માએ કહ્યું હતું કે કોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરતા પહેલા જ રાહુલને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ એક ખોટો નિર્ણય છે. ઉચ્ચ ન્યાયતંત્ર દ્વારા તેને રદ કરવામાં આવશે.

(10:14 pm IST)