Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

અભિષેક પોરલ દિલ્હી કેપિટલ્સમાં ઋષભ પંતનું સ્થાન લઈ શકે છે

મુંબઈ: શુક્રવાર થી આઈપીએલ નો મહાજંગ શરૂ થઈ રહ્યો છે ત્યારે આઇપીએલ 2023ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પહેલી મેચ CSK અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાવાની છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સ તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ટીમનો કેપ્ટન રહેલો રિષભ પંત આ વર્ષની આઇપીએલ નહીં રમી શકે, તે પહેલાથી જ નક્કી હતું, કારણ કે 30 ડિસેમ્બરે રોડ અકસ્માતમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. હવે તેની હાલત તો ઠીક છે, પણ તે હજુ રમવા માટે ફિટ નથી. 

 

દરમિયાન આ પછી તમામ ચાહકો જાણવા માગતા હતા કે, રિષભ પંતનું રિપ્લેસમેન્ટ કોણ બનશે. જોકે દિલ્હી કેપિટલ્સની ટીમમાં વિકેટકીપરના ઘણા વિકલ્પ પહેલાથી જ છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે ટીમને ભારતીય વિકેટકીપરની જરૂર પડશે, જેથી ટીમનું કોમ્બિનેશન યોગ્ય રહે. હવે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે અભિષેક પોરલ રિષભ પંતનું રિપ્લેસમેન્ટ હશે. જો કે ખુદ દિલ્હી કેપિટલ્સ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેના પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. 

 

અભિષેક પોરલ બંગાળનો ખેલાડી છે અને તેને ઉભરતી પ્રતિભા તરીકે પણ જોવામાં આવે છે. ભારતની ડોમેસ્ટિક સિઝનમાં તેણે વિકેટ કીપર બેટ્સમેન તરીકે ઘણો પ્રભાવ પાડયો. તે લગભગ એક મહિના પહેલા દિલ્હી કેપિટલ્સના ધ્યાનમાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભિષેક પોરલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

 

આ દરમિયાન તેણે ટ્રાયલમાં ભાગ લીધો અને કોચને પણ ખૂબ પ્રભાવિત કર્યા. આ પછી હવે તેની એન્ટ્રી દિલ્હી કેપિટલ્સની ટીમમાં થવા જઈ રહી છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે શરૂઆતની કેટલીક મેચોમાં તેને કદાચ દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળી શકે, કારણ કે શરૂઆતમાં સરફરાઝ અહેમદ વિકેટકીપર બેટ્સમેન તરીકે મેદાન પર આવી શકે છે.

(9:39 pm IST)