Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

દિલ્હીના વાતાવરણમાં મોડી સાંજે પલ્ટો:વાવાઝોડા સાથે ભારે વરસાદ:ફ્લાઈટો ડાયવર્ટ: ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

નવી દિલ્હી: આજે બુધવારે સાંજે દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં હવામાન અચાનક બદલાઈ ગયું અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો. ગરમી અને ભેજથી પરેશાન દિલ્હીના લોકોને તો રાહત મળી, પરંતુ આના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક ન્યૂઝ એજન્સીએ એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે 9 ફ્લાઈટને દિલ્હીના બદલે જયપુર ડાયવર્ટ કરવી પડી હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી શકે છે. આશંકા છે કે એર ટ્રાફિક વધુ પ્રભાવિત થઈ શકે છે.

 

હવામાન વિભાગે પહેલાથી જ એલર્ટ કરી દીધું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 માર્ચની સાંજે હિમાલયના ક્ષેત્રમાં પહોંચશે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આશંકા સાચી સાબિત થઈ અને દિલ્હી-એનસીઆરના તમામ ભાગોમાં ભારે પવન સાથે વરસાદની અસર જોવા મળી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વાદળછાયું અને ભારે વરસાદ પડી શકે છે.

 

રાજધાની દિલ્હીમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જેના કારણે બીજા દિવસે એટલે કે ગુરુવારે 30 માર્ચે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ, 31 માર્ચે પ્રમાણમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

(9:31 pm IST)