Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગોરખનાથ મંદિર હુમલો કેસ : આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે સબંધ ધરાવતા આતંકી અહેમદ મુર્તઝા અબ્બાસીને દેશ વિરુદ્ધનું ક્રુત્ય કરવા બદલ ફાંસીની સજા સંભળાવતી NIA કોર્ટ

સીએમ યોગી આદિત્યનાથ છે આ મંદિરના મઠાધિપતિ : આતંકી વિરુધ્ધ પોલીસે રજૂ કરેલ તમામ પુરાવાઓ કોર્ટે માન્ય રાખ્યા

લખનૌ : ઉત્તર પ્રદેશના ગોરખપુરના ગોરખનાથ મંદિર પર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીને સોમવારે (30 જાન્યુઆરી, 2023) NIA કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને મૃત્યુદંડની સજા ફટકારી છે. લખનૌની વિશેષ અદાલતે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના આરોપમાં આ સજા સંભળાવી. આતંકવાદી મુર્તઝા અબ્બાસને કડક સુરક્ષા હેઠળ લખનૌની NIA/ATS કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેણે એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. મુર્તઝા પર UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેને આતંકવાદી ગણવામાં આવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથ આ મંદિરના મઠાધિપતિ છે.

મુર્તઝાને સજાની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે, સતત 60 દિવસ સુધી રેકોર્ડ સુનાવણી બાદ આજે સજાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આઈપીસીની કલમ 121 હેઠળ મોતની સજા અને 307માં આજીવન કેદની સજા આપવામાં આવી છે જે પોલીસ પર હુમલો હતો. એડીજીએ કહ્યું, તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ સારી રીતે રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે પુરાવાને સાચા માન્યા હતા. આ દર્શાવે છે કે પોલીસ તપાસ સાચી હતી. યુપી પોલીસે દેશ વિરુદ્ધના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

આરોપીઓએ ગોરખનાથ મંદિરમાં તૈનાત PAC જવાનો પર હુમલો કર્યો હતો. કેમિકલ એન્જિનિયર અહેમદ મુર્તઝા અબ્બાસીનો પીછો કરાયા બાદ, તેની ધરપકડ કરવામાં આવી હતી. અહેમદ મુર્તઝા અબ્બાસીની પૂછપરછ દરમિયાન આરોપીના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથેના જોડાણનો ખુલાસો થયો હતો. યુપીના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અનુસાર, મુર્તઝા અબ્બાસીએ IS માટે લડવાની શપથ લીધી હતી અને તે આતંકવાદી સંગઠનના સમર્થકોને આર્થિક મદદ કરી રહ્યો હતો.

આતંકવાદી અહેમદ મુર્તઝા અબ્બાસી ગોરખપુરના સિવિલ લાઈન્સ વિસ્તારનો રહેવાસી છે. મુર્તઝા અબ્બાસીએ 2015માં IIT-મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પછી તેણે બે મોટી કંપનીઓમાં પણ કામ કર્યું.

અબ્બાસીના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે 2017માં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે તે ઝઝૂમી રહ્યો હતો. ઘણા ડોકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. ખરાબ માનસિક સ્થિતિના કારણે તેની પત્ની સાથેના સંબંધો વણસ્યા હતા. જેના કારણે તે તેની પત્નીથી અલગ થઈ ગયો હતો. ઉત્તર પ્રદેશના ગોરખપુર મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓ પર હુમલા બાદ એપ્રિલ 2022માં મુર્તઝાની ધરપકડ કરવામાં આવી હતી.

(8:43 pm IST)