Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રેપ કેસમાં બંધ આરોપીને છોડી મૂકવા મુંબઈની કોર્ટનો આદેશ

૧૬ વર્ષની સગીરા ગર્ભવતી થતાં મામલો ખુલ્યો હતો : પ્રેમીથી છોકરી ગર્ભવતી થઈ છે અને તે લગ્ન માટે તૈયાર હોઈ આરોપીને જામીન આપવામાં વાંધો ન હોવાનું તારણ

મુંબઇ, તા. ૨૯ : ૧૬ વર્ષની છોકરી પર બળાત્કાર ગુજારી તેને પ્રેગનેન્ટ બનાવવા બદલ પોક્સોના ગુના હેઠળ જેલમાં રહેલા ૨૫ વર્ષના યુવકને કોર્ટે જામીન પર મુક્ત કરી દીધો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે બંને વચ્ચેના સંબંધો પરસ્પરની સહમતિથી બંધાયા હતા, અને આરોપી છોકરી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે તેવામાં તેને જામીન પર મુક્ત કરવામાં વાંધો નથી. આ કેસમાં યુવક સામે ફરિયાદ નોંધાવનારી છોકરીની માતાએ જ કોર્ટમાં એફિડેવિટ કરી હતી. જેમાં જણાવાયું હતું કે આરોપીને મુક્ત કરાય તો તેમને કોઈ વાંધો નથી, કારણકે છોકરીએ આરોપીના બાળકને જન્મ આપ્યો છે અને ફરિયાદી તરીકે તેઓ ઈચ્છે છે કે આરોપી તેમની દીકરી સાથે લગ્ન કરી લે.

આરોપીને જામીન આપતા કોર્ટે જણાવ્યું હતું કે આરોપીના પહેલા લગ્ન અંગે તેની પ્રેમિકાને જાણ નહોતી તેવું કહી ના શકાય. કોર્ટ સમક્ષ જે પ્રમાણે સોગંદનામું કરાયું છે તે અનુસાર છોકરી આરોપી સાથે લગ્ન કરવા માગતી હતી, અને આરોપી પણ તે ૧૮ વર્ષની થાય પછી તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો રાખતો હતો. આ દરમિયાન બંને વચ્ચેના સંબંધને કારણે છોકરી પ્રેગનેન્ટ થઈ ગઈ. તેવામાં આરોપીને જેલમાં રાખવાનો હવે કોઈ મતલબ નથી.

આ કેસમાં આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેમના સમાજમાં એકથી વધુ લગ્ન કરવા સામે કોઈ વાંધો નથી. બીજી તરફ, સરકારી વકીલે આરોપીની જામીન અરજી પર વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપીની પહેલી પત્નીને તેના બીજા લગ્ન સામે વાંધો નથી તેવું કોર્ટ સમક્ષ ક્યાંય દર્શાવાયું નથી. વળી, આરોપીએ એક એવી અવયસ્ક છોકરીને ફસાવી હતી કે જે આ સંબંધનો શું અંજામ આવશે તે સમજી શકે તેમ નહોતી. હવે આ જ આરોપી સ્થિતિનો ફાયદો ઉઠાવીને છોકરી સાથે લગ્ન કરવા માગે છે. અગાઉ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી હોવાનું પણ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું.

         આરોપી છોકરીના પિતાને ઓળખતો હતો, અને તેના ઘરમાં પણ તેની આવ-જા રહેતી હતી. તેણે છોકરીને લગ્ન કરવાનું વચન આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, અને તેના કારણે તે પ્રેગનેન્ટ બની હતી. જોકે, આ વાત છોકરીએ પોતાના પરિવારજનોથી છૂપાવી હતી. પરંતુ છોકરીનું વધતું પેટ જોઈ તેની માતાને તે ગર્ભવતી હોવાની શંકા પડી હતી. આ અંગે જ્યારે આરોપીને જાણ થઈ ત્યારે તેણે છોકરીને ધમકી આપતા કહ્યું હતું કે બાળકનો બાપ તે છે તેવું તે તેના પરિવારજનોને કહેશે તો તેનું પરિણામ સારું નહીં આવે. જેથી ડરેલી પીડિતાએ કોઈ બીજા છોકરાનું નામ પરિવારજનોને આપી દીધું હતું. જોકે, છોકરીના પરિવારજનોએ આ અંગે તપાસ કરતા તેના ગર્ભમાં રહેલા બાળકનો પિતા બીજો કોઈ નહીં, પરંતુ આરોપી જ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૦માં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે હજુ સુધી આ કેસની તપાસ પૂરી થઈ ગઈ છે, અને ચાર્જશીટ ફાઈલ થઈ રહી છે ત્યારે આરોપીની જામીન અરજી રદ્ કરવાને કોઈ કારણ નથી.

(12:00 am IST)