Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગુજરાતના નિવૃત આઈએએસ પી,કે,પુજારીની મોદી સરકારે સીઈઆરસીના ચેરપર્સન તરીકે નિમણુંક કરી

ગુજરાત કેડરના 1981 બેચના આ અધિકારી ત્રણ વર્ષ સુધી પદભાર સંભાળશે ;નિવૃત્તિના સાત મહિના બાદ નિમણુંક અપાઈ

 

નવી દિલ્હી : ગુજરાતના નિવૃત આઈએએસ પી,કે,પુજારીની મોદી સરકારે  સીઈઆરસીના ચેરપર્સન તરીકે નિમણુંક કરી છે ગુજરાત કેડરના 1981 બેચના કેન્દ્ર સરકારના કૃષિ વિભાગના સ્પેશ્યલ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા સિનિયર આઈએએસ પી કે પુજારીને નિવૃત્તિના સાત મહિના પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેરિટી કમિશન (સીઈઆરસી)ના ચેરપર્સન તરીકે નિમણુંક આપી છે.

 

   નિવૃત્ત આઈએએસ પી કે પુજારીની નિમણુંક પાછળ વડાપ્રધાનના અધિક અગ્રસચિવ પી કે મિશ્રાનો દોરી સંચાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાત કેડરના ઘણા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર લઈ ગયા છે. વડાપ્રધાનની કચેરીમાં ગુજરાત કેડરના એક નિવૃત્ત અને બે ચાલુ સનદી અધિકારીઓ મહત્વના હોદ્દાઓ પર કામ કરી રહ્યા છે. વડાપ્રધાનના અધિક અગ્રસચિવ પી કે મિશ્રા નિવૃત્ત થતા પહેલા મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમના અગ્રસચિવ હતા. ત્યાર બાદ મોદી વડાપ્રધાન બનતા પી કે મિશ્રાને વડાપ્રધાન કાર્યાલયમાં અધિક અગ્રસચિવ બનાવ્યા હતા.

   ગુજરાત કેડરના 1981 બેચના નિવૃત્ત આઈએએસ પી કે પુજારીની વડાપ્રધાને સીઈઆરસીના ચેરપર્સન તરીકે નિમણુંક કરી છે ચેરપર્સન તરીકે તેઓ ત્રણ વર્ષ સુધી પદભાર સંભાળશે. પી કે પુજારી મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જતા રહ્યા હતા. તેઓ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશનના સ્પેશ્યલ સેક્રેટરી અને ફાઈનાન્સીયલ એડવાઈઝર તરીકે જુન 2017માં નિવૃત્ત થયા હતા. નિવૃત્તિના સાત મહિના પછી મોદી સરકારે પી કે પુજારીની ચેરપર્સન તરીકે નિમણુંક આપી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પી કે પુજારી અને વડાપ્રધાનના અધિક અગ્રસચિવ ઓરિસ્સાના વતની છે. ગત નવેમ્બર મહિનામાં ગુજરાત કેડરના કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સીસ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજુવેન્શનના અધિક સચિવ ડો. અમરજીત સિંગ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા

(11:59 pm IST)