Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ખાનગી માહિતી ચોરાવાની ભીતિ : 'જિયોકોઇન' એપ ડાઉનલોડ કરતા પહેલા અનેક વખત વિચારજો

ક્રિપ્ટો કરન્સી ઉપલબ્ધ કરાવતી કેટલીક બોગસ વેબસાઇટ્સ બન્યાના પણ અહેવાલો : કંપની તરફથી કોઇ સતાવાર નિવેદન નથી આવ્યુ, તો કોઇ જોખમો લેશો નહિઃ સુરક્ષા નિષ્ણાતોની ચેતવણી

રાજકોટ, તા. ૩૦ : ગુગલ પ્લે સ્ટોર્સ ઉપર 'જિયોકોઇન' નામની એપ આવતા જ કેટલાક લોકોએ હરખાવાનું શરૂ કરી દીધું હતું... પરંતુ અન્ય કેટલીક એપ્સના નામો પણ ભળતા હોવાથી અત્યારે ડાઉનલોડ કરવી કે નહિ ? તે અંગે સૌ દ્વિધામાં મૂકાઇ ગયા છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યા હતાં કે, જિયો 'જિયો કોઇન' નામે પોતાની જ ક્રિપ્ટો કરન્સી લાવવા જઇ રહી છે તેના થોડા સમય બાદ એવા અહેવાલો પણ આવી રહ્યા હતાં કે આ કરન્સી ઉપલબ્ધ કરાવતી કેટલીક બોગસ વેબસાઇટ્સ પણ બની ચૂકી છે. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ગૂગલ પ્લેસ્ટોરમાં પણ Jio Coin નામની ઢગલાબંધ એપ્સ છે. ગૂગલ પ્લેસ્ટોર્સ પર આશરે આવી રર એપ્સ છે તેના નામ જિયો કોઇન સાથે સંબંધિત છે અને તેને ડાઉનલોડ પણ કરી શકાય છે.

અત્રે નોંધનીય છે કે આ એપ્સ Jio Coin, Jio Coin Crypto Currency, Jio Coin Buy  જેવા અલગ-અલગ નામે ઉપલબ્ધ છે. જોકે આ એપ્સના શરે ૧૦૦૦ ડાઉનલોડ્સ છે, પરંતુ તેમાંથી ત્રણ એપ્સ એવી છે જેને ૧૦૦૦ અને પ૦૦૦ વખતથી અન્ય બે એપ્સને ૧૦,૦૦૦ અને પ૦,૦૦૦ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.  એપ્સના પેજમાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તે કોઇ ટાસ્કના બદલે જિયો કોઇન આપવાનો દાવો કરે છે. ઉલ્લેખનીય છે કે આ અંગે હજુ સુધી કંપની તરફથી કોઇ સતાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર આ પ્રકારની એપ્સ ડાઉનલોડ ન કરવી જોઇએ. પહેલા આ પ્રકારની એપ્સ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ચોરે છે અને તેમાં અનેક પ્રકારના માલવેર છુપાયેલા હોય છે. આવી એપ્સની અન્ય પ્રકારના જોખમો પણ છે... તો ડાઉનલોડ કરતા પહેલા વિચારવું જરૂરી બની જાય છે.(૮.૧૭) 

 

(6:42 pm IST)