Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સિગારેટ પીતાં-પીતાં ઊંઘ આવી જતાં ૭૦ વર્ષના વડીલ સળગીને મૃત્યુ પામ્યા

ચેન્નઇ તા.૩૦: આગથી રમવું ખતરાથી ખાલી નથી. કેરળના તિરૂવલ્લુરમાં રહેતા ૭૦ વર્ષના એક  વૃદ્ધ કાકાને વર્ષોથી સિગારેટ પીવાની આદત હતી. આ આદત તેમને કોઇ ગંભીર રોગમાં પટકે એ પહેલાં જ સિગારેટે તેમનો જીવ લઇ લીધો. શનિવારે રાત્રે તિરૂવલ્લુરના જયલક્ષ્મીનગરમાં રહેતા ૭૦ વર્ષના મણિ નામના કાકાએ સૂતા પહેલા છેલ્લે એક કશ ખેંચવા પથારીમાં પડ્યે-પડ્યે જ સિગારેટ સળગાવી. જોકે તેઓ એટલા થાકેલા હતા કે સિગારેટ પૂરી થાય એ પહેલા જ તેમને ઉંઘ આવી ગઇ. હાથમાનું સિગારેટનું ઠુઠું બરાબર બુઝાયું ન હોવાથી તેમની જ પથારીમાં આગ લાગી ગઇ. આગ પથારીમાંથી આખા ઘરમાં ફેલાઇ ગઇ. મણિ તેમના દીકરા શ્રવણનના ઘરની પાસેની એક ઝુંપડી જેવા ઘરમાં રહેતા હતા. આખી ઝૂંપડી આગ અને કાળા ધુમાડાની લપેટમાં આવી ગઇ. જ્યારે પડોશીઓને એ વાતની ખબર પડી તો તેમણે તરત જ ફાયર-બ્રિગેડને ફોન કર્યો. અગ્નિશામક દળે આવીને આગ બુઝાવી ત્યાં સુધીમાં વૃદ્ધ કાકાનું મૃત્યુ થઇ ચૂકયું હતું. તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

(4:09 pm IST)