Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

તેજી પર ફરી બ્રેક : ૨૫૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો

સેંસેક્સ ઘટીને ૩૬૦૮૪ની સપાટી પર રહ્યો : આર્થિક સર્વેના એક દિવસ બાદ સેંસેક્સમાં મોટો કડાકો બોલાયો : હેવીવેઇટ શેરમાં વેચવાલીનું મોજુ ફેલાઈ ગયું

મુંબઇ,તા. ૩૦ : શેરબજારમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યાના એક દિવસ બાદ આજે જોરદાર મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૫૦ પોઇન્ટ ઘટીને ૩૬૦૮૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૦૫૦ની નીચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં ઘટાડો રહ્યો હતો. ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી બેંક જેવા શેરમાં રોકાણકારોએ હાલમાં પ્રોફિટ બુક કરાવ્યા બાદ અફડાતફડી રહી હતી. એશિયન શેરબજારમાં મંદી રહી હતી. જાપાનમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાજેતરના સપ્તાહમાં ભારતીય માર્કેટમાં તેજી રહી હતી. કોર્પોરેટ કમાણીના સારા આંકડા અને ચોક્કસ ચીજવસ્તુઓ માટે જીએસટીના રેટમાં સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યા બાદ સ્થિતી બદલાઇ રહી છે. આજે શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી.  મંગળવારના દિવસે કારોબારની શરૂઆત થતાની સાથે જ સેંસેક્સમાં ૨૨૮ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ  સેંસેક્સ ઘટીને ૩૬૦૫૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૨ પોઇન્ટ ઘટીને ૧૧૦૬૮ની સપાટી પર રહ્યો હતો. અંતે તેમાં મંદી જ રહી હતી. આગામી નાણાંકીય વર્ષમાં ગ્રોથમાં વધારે તેજી રહી શકે છે તેવા સંકેત સરકાર દ્વારા આપવામાં આવ્યા બાદ કારોબારીઓ  હાલમાં આશાવાદી બન્યા હતા.જેથી તેજી જામી હતી. જો કે આજે તેમાં ફરી તેજી પર બ્રેક રહી હતી. દલાલ સ્ટ્રીટમાં હવે તમામની નજર કેન્દ્રિત બજેટ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે જે ગુરુવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. માર્કેટમાં સૌથી મોટા ડ્રાઇવર તરીકે બજેટ પુરવાર થશે.  આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, એનટીપીસી, વેદાંતા દ્વારા ૩૧મી જાન્યુઆરી એટલે કે બુધવારે પરિણામ જાહેર કરાશે. આવી જ રીતે બજાજ ઓટો, હિન્ડાલ્કો જેવી મહાકાય કંપનીઓ બીજી ફેબ્રુઆરીના દિવસે પરિણામ જાહેર કરશે. વ્યાજદરમાં કોઇ વધારો થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.  શેરબજારમાં અવિરત તેજીના કારણે છેલ્લા કારોબારી સેસનમાં દસ ટોપ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. ગઇકાલે સોમવારના દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યા બાદ તેમાં ગુલાબી ચિત્ર અર્થતંત્રનુ રજૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આર્થિક વિકાસ દર ૭.૦-૭.૫ ટકા રહી શકે છે.

વર્તમાન નાણાંકીય વર્ષ માટે અંદાજિત ૬.૭૫ ટકાના વિકાસ દરની સામે વિકાસ દર વધારે દર્શાવવામાં આવ્યો છે. સર્વેમાં કેટલાક મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં સામાન્ય રીતે અર્થતંત્રના આરોગ્યની સ્થિતી રજૂ કરવામાં આવે છે.  ગયા  ગુરુવારના દિવસે સેંસેક્સ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૩૬૦૫૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૧૦૬૯ની સપાટીએ રહ્યો હતો.શેરબજારમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યા બાદ ગઇકાલે રેકોર્ડ તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૩૩ પોઇન્ટ ઉછળીને ૩૬૨૮૩ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૧૧૩૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો.બજેટ સુધી શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહેશે.

(7:48 pm IST)