Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ૬.૨ લાખ ગાંસડી રૂની ખરીદી કરી

ટેકાના ભાવથી ૩.૬૭ લાખ ગાંસડી અને બાકીની બજારભાવથી ખરીદી થઇ

નવી દિલ્હી તા.૩૦: દેશમાં રૂના ભાવમાં મજબૂતાઇ જોવા મળી રહી છે, જેની પાછળનું એક કારણ સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) પણ છે. એજન્સી CCI દ્વારા અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી કુલ ૬.૨ લાખ ગાંસડીની રૂની ખરીદી કરવામાં આવી છે.

CCIનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ ૬.૨ લાખ ગાંસડીની ખરીદી થઇ એમાંથી સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ ૪૨૭૦ રૂપિયાના ભાવથી ૩.૬૭ લાખ ગાંસડીની ખરીદી કરી છે, જ્યારે બાકીની ૨.૫૩ લાખ ટનની ખરીદી બજારભાવથી કરી છે. CCI દ્વારા જ્યારે બજારભાવ ઊંચા થઇ જાય છે ત્યારે ટેકસટાઇલ્સ મિલો સહિતના પોતાના ગ્રાહકો માટે હાલમાં બજારમાંથી પણ રૂની ખરીદી કરે છે અને સ્ટોક કરી રાખે છે. આ હેતસર CCI દ્વારા હાલમાં દૈનિક ૧૦,૦૦૦ ગાંસડી રૂની ખરીદી કરવામાં આવી રહી છે.

CCI દ્વારા સામાન્ય રીતે નવા કપાસની આવકો શરૂ થાય એ સમયથી બેથી અઢી મહિના સુધી ખરીદી કરવામાં આવતી હોય છે, કારણ કે એ સમયગાળા દરમ્યાન કપાસની આવકો વધારે થતી હોય છે અને ભાવ પણ ઘટી જતા હોય છે. હાલમાં બજારભાવ ટેકાના ભાવ કરતાં ઊંચા હોવાથી સરેરાશ રૂની ખરીદીની ટેકાના ભાવથી ખાસ ખરીદી થતી નથી.

ઉલ્લેખનીય છે કે હાલમાં મલ્ટિનેશનલ કંપનીઓ અને નિકાસકારોની માગણીને કારણે રૂના ભાવ ટેકાના ભાવથી ઉપર જ ચાલી રહ્યા છે. સરેરાશ ખાંડીદીઠ ૪૧,૦૦૦ રૂપિયા આસપાસના ભાવ છે અથવા કિવન્ટલના ભાવ ૫૦૦૦ રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે. પરિણામે ટેકાના ભાવે ખરીદી ચાલુ નથી, પરંતુ બજારભાવથી થોડી-થોડી ખરીદી CCI  દ્વારા થઇ રહી છે.

(12:36 pm IST)