Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

GSTના અમલથી કરદાતાઓની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો

નવી દિલ્હી તા.૩૦: GSTના અમલથી પરોક્ષ કરદાતાઓની સંખ્યામાં ૫૦ ટકાથી  અધિકનો વધારો થયો છે અને ૩૪ લાખ વેપારો વેરા હેઠળ આવ્યા છે એમ ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે. સર્વેના લેખક અને મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું હતું કે 'GSTના આંકડાના પ્રાથમિક એનેલિસિસ પરથી જણાયું છે કે જે નાનાં વેપારસાહસો મોટી કંપનીઓ પાસેથી માલ ખરીદે છે અને ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવા માગે છે. તેમના સ્વૈચ્છિક રજિસ્ટ્રેશનમાં આવેલા મોટા ઉછળાને પગલે આ વધારો થયો છે.'

GSTથી સીધી ચુકવણી કરતા કરદાતાઓની સંખ્યામાં ૩૪ લાખનો એટલે કે ૫૦ ટકાથી અધિકનો વધારો થયો છે. આ વર્ષના ઉત્તરાર્ધ સુધીમાં GST સ્થિરતા પ્રાપ્ત કરે ત્યારે GST સંબંધિત બધી ચિંતા અને ગૂંચવણો દૂર થશે. જોકે પ્રાથમિક પૃથક્કરણમાં એમ જણાયું છે કે GSTની કામગીરી સારી રહી છે.

(12:35 pm IST)