Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બ્રોકરોને કહો, ડેરિવેટિવ્ઝમાં ઊંચી પોઝિશન ધરાવતા ગ્રાહકો પાસેથી વધુ માર્જિન કલેકટ કરો

બજારની તેજી અને ઊંચા ભાવોને ધ્યાનમાં રાખીને સેબીએ સ્ટોક એકસચેન્જિસને આપેલી સુચના

નવી દિલ્હી તા.૩૦: શેરબજારની ધમધોકાર તેજીના સતત ઉછાળાએ નિયમન સંસ્થા સેબી અને સ્ટોક એકચેન્જિસને ચિંતામાં મૂકી દીધા છે. સેબીએ સ્ટોક એકચેન્જિસને અલર્ટ રહેવા તેમ જ સર્વેલન્સ સઘન રાખવાની સૂચના આપી છે. આ સાથે સેબીએ જેમનું ડેરિવેટિવ્ઝ એકસપોઝર ઊંચુ છે એવા ગ્રાહક રોકાણકારો પાસેથી ઊચું માર્જિન લેવાની સલાહ પણ આપી છે.

સેબીએ ખાસ કરીને મોટા ગ્રાહકો, વિદેશી રોકાણકારો, સંપત્તિવાન હસ્તીઓ તેમ જ પ્રોપ્રાઇટરી ડેસ્ક ચલાવતી હસ્તીઓ પાસેથી વધુ માર્જિન વસૂલ કરવા જણાવ્યું છે. બજારની સલામતીના હેતુસર સેબી આ પગલું ભરી રહ્યું છે. જેમના ફયુચર્સ અને ઓપ્શન્સમાં મોટી પોઝિશન (ઊભા ઓળિયા) છે તેમની પાસેથી વધુ માર્જિન કલેકટ કરવાનો આગ્રહ સેવાયો છે.

સેબીને ચિંતા છે કે ડેરિવેટિવ્ઝમાં ઊંચા ભાવો સાથે સિસ્ટમિક રિસ્ક વધી શકે છે. શેરબજારોએ બ્રોકરોને આ દિવસોમાં સકર્યુલર મોકલી ઊંચી ડેરિવેટિવ્ઝ પોઝિશન ધરાવતા ગ્રાહકો પાસેથી વધુ માર્જિન જમા કરવા જણાવ્યું છે. ખાસ કરીને બજેટ માથે છે ત્યારે અને બજારની એકસરખી તેજીની ચાલને ધ્યાનમાં રાખીને ભાવો જે ઊંચાઇએ પહોંચી ગયા છે એ ચિંતાનો વિષય બન્યા છે.

(12:35 pm IST)