Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જગદીશ ટાઇટલરે ચુપકીદી તોડીઃ રાજીવ ગાંધી સિખવિરોધી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા હતા

નવી દિલ્હી તા.૩૦: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ૧૯૮૪ના સિખવિરોધી હુલ્લડોના મુખ્ય આરોપી જગદીશ ટાઇટલરે આખરે ચુપકીદી તોડી છે. ગઇ કાલે તેમણે પહેલી જ વાર જણાવ્યું હતું કે એ સમયના વડા પ્રધાન રાજીવ ગાંધી હુલ્લડો વખતની પરિસ્થિતિનો કયાસ કાઢવા તેમની સાથે અનેક વેળા ઉત્તર દિલ્હીમાં ફર્યા હતા.

ટાઇટલરે આ હુલ્લડો વિશે જણાવ્યું હતું કે 'રાજીવ ગાંધીએ મારી કારમાં દરેક વિસ્તારની મુલાકાત લીધી હતી. દિલ્હીના પક્ષના સંસદસભ્યો પર રાજીવ ગાંધી ગુસ્સે ભરાયા હતા અને તેમણે બધાને પોતાના મતવિસ્તારમાં જઇ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની સૂચના આપી હતી.'

આ હુલ્લડોની તપાસ કરનાર નાણાવટી પંચે પોતાના રિપોર્ટમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જગદીશ ટાઇટલરને મુખ્ય ષડ્યંત્રકારીઓમાંના એક ગણાવ્યા હતા. ટાઇટલર પર હુલ્લડો વખતે દિલ્હીના એક ગુરદ્વારામાં ત્રણ સિખોની કતલનો પણ આરોપ હતો. આ કેસમાં હજી સુધી CBIની  તપાસ ચાલુ છે અને ટાઇટલર વિરૂદ્ધ કોઇ આરોપ સાબિત નથી થઇ શકયો.(૧.૪)

(11:33 am IST)