Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ઉદ્યોગો માટેના જમીન અંગેના કાયદાઓ સુધારવા ભલામણ

ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘના નેતૃત્વમાં રચાયેલી સમિતિએ કરી અનેક ભલામણોઃ સરકાર હવે બિલ લાવવા વિચારશેઃ જમીન સીઝ કરવાની આકરી જોગવાઇઓ દુર થશે અથવા તો હળવી થશેઃ જમીનનો બીજા હેતુ માટે ઉપયોગ થશે તો પણ નોન એગ્રીકલ્ચર સર્ટી અપાશેઃ દંડમાં છુટછાટ અપાશેઃ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે સીંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ અમલી બનશે

નવી દિલ્હી તા.૩૦ : ઉદ્યોગો માટેના જમીન અંગેના કાયદાઓમાં ધરખમ ફેરફારો કરવા ગુજરાત સરકારે નિમેલી એક સમિતિએ ભલામણો કરી હોવાનુ બહાર આવ્યુ છે.

 

ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘના વડપણ હેઠળ રચાયેલી ઉચ્ચકક્ષાની સમિતિએ ઉદ્યોગો અને રિયલ એસ્ટેટ સેકટર માટેના જમીન અંગેના કાયદાઓમાં ધરખમ સુધારા વધારા કરવા સુચન કર્યુ છે. આ માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવતી હતી. જે ભલામણ થઇ છે તેમાં નક્કી કરવામાં આવેલા ૩ થી ૧૦ વર્ષના સમયગાળાની અંદર કોઇ ઉદ્યોગે જમીન ઉપર કોઇ યુનિટ ઉભુ કર્યુ ન હોય તો જમીન હોલ્ડ કરવાની મંજુરી આપવાનો પણ સમાવેશ થાય છે. ઉદ્યોગના હેતુ માટે હસ્તગત કરવામાં આવેલ જમીન ઉપર કોઇ યુનિટ ચાલુ ન થાય તો સરકારે સુચવેલા પ્રિમિયમ રેટમાં ફેરફારો કરવાનુ પણ સુચન કરવામાં આવ્યુ છે. જો કે રાજય સરકારના કેટલાક અધિકારીઓનું કહેવુ છે કે, જો ઉદ્યોગો માટેના જમીન અંગેના કાયદાઓમાં ધરખમ સુધારાઓ કરવામાં આવશે તો લેન્ડ બેંક ઉભી થઇ જશે અને ભાવોમાં કૃત્રિમ વધારો આવી જશે.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક સીનીયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગો જમીન અંગેની સમસ્યાઓનો સામનો કરે છે તેનો નિકાલ લાવવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી અને તેણે શ્રેણીબદ્ધ ભલામણો કરી છે. આ સમિતિએ સુચવેલા ફેરફારો ઉપર સરકાર બીલ લાવવાની તૈયારી કરી રહી છે.

ઓફિસરના જણાવ્યા પ્રમાણે અનેક ઉદ્યોગો ગુચવણભર્યા નિયમોને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પરંતુ આ ફેરફારોનો દુરૂપયોગ પણ થવાની શકયતા છે. એવા કેટલાક ગ્રુપો છે જેઓ વિવાદીત જમીન લઇ અને ભાવિ લાભ માટે લેન્ડ બેન્ક પણ ઉભી કરવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.

જે સુચનો કરવામાં આવ્યા છે તેમાં રેવન્યુ અંગેના કાયદાઓમાં ફેરફાર કરવા અને ઉદ્યોગ દ્વારા જમીનની ઓનરશીપ ઉપરના નિયંત્રણો હટાવી લેવા. ટાઉન પ્લાનીંગ એકટ હેઠળ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન હેઠળ પરમીશન આપવી. ૭ વર્ષ પછી પણ સરકારી કે પ્રાઇવેટ જમીનનો ઉપયોગ કરવામાં ઔદ્યોગિક ખરીદદાર નિષ્ફળ જાય તો જમીન ઉપરની લેવી ઘટાડવી. જંત્રી રેઇટ શૂન્ય અથવા તો ર૦ ટકા પ્રિમિયમ જેટલી રાખવી. ૧૦ વર્ષની અંદર ઉદ્યોગ ડેવલપમેન્ટ કરવામાં નિષ્ફળ જાય તો જમીન સીઝ કરવાની જોગવાઇઓ દુર કરવી.

જે ભલામણો કરવામાં આવી છે તેમાં ૩ થી ૭ વર્ષ દરમિયાન ઉદ્યોગ હેતુ માટે જમીનનો વપરાશ ન કરવા બદલ ૪૦ થી ૧૦૦ ટકા જેટલુ પ્રિમિયમ દંડ સ્વરૂપે લેવામાં આવે છે તે બંધ કરવુ. સુધારો કરી માત્ર ર૦ ટકા જ દંડ રાખવો. જો અન્ય હેતુ માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે તો નોન એગ્રીકલ્ચર સર્ટીફિકેટ પણ આપવુ. જમીન હસ્તગત કરવા માટે પ્રાઇવેટ એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ કેટેગરી રેગ્યુલરાઇઝ કરવી, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે અત્યારે જે ૧ર વિવિધ એજન્સીઓ પાસેથી એનઓસીની માંગણી કરવાને બદલે એક સીંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ ઉભી કરવી વગેરેનો સમાવેશ થાય છે.(૩-૪)

(10:12 am IST)