Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ભારતની આ કંપનીના ૨૦૦ કર્મચારીઓ રાતોરાત બન્યા કરોડપતિ

નવી દિલ્હી તા. ૩૦ : ઓનલાઇન પેમેન્ટ એપ પેટીએમ દિવસેને દિવસે નવા શિખરો સર કરી રહી છે. સોમવારે કંપનીએ જાહેરાત કરી કે તેની માર્કેટ વેલ્યૂ ૬૩,૫૩૭ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પેટીએમના પૂર્વ અને વર્તમાન ૨૦૦ કર્મચારીઓએ ESOPને વેચ્યો છે, જેની કિંમત આશરે ૩૦૦ કરોડ રૂપિયા સુધી છે. જેના કારણે કંપનીની માર્કેટ વેલ્યૂમાં મોટો ઉછાળો આવ્યો છે. ઉપરાંત હિસ્સો વેચનાર કર્મચારીઓ પણ કરોડપતિ બની ગયા છે.

પેટીએમના નિવેદન મુજબ કંપનીની માર્કેટ વેલ્યૂ ૧૦ બિલિયન યુએસ ડોલરને સ્પર્શી ગઇ છે. ગત વર્ષે મે મહિનામાં આ વેલ્યૂ આશરે ૭ બિલિયન ડોલર હતી. તાજેતરમાં જ જાપાનની સોફટેબેંકે પેટીએમમાં આશરે ૧.૪ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જે બાદ પેટીએમ ફિલપકાર્ટ બાદ દેશની સૌથી વધારે વેલ્યૂવાળી કંપની બની હતી.

ESOP કોઈ પણ કંપનીના કર્મચારીને મળી રહેલી સેલરીથી અલગ રકમ હોય છે. ૨૦૦ કર્મચારીઓ દ્વારા આ શેર વેચવામાં આવ્યા હતા, જેના કારણે કંપનીના ખાતામાં ૩૦૦ કરોડ ઉમેરાયા છે. આ પહેલા ગત વર્ષે પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ ૧ ટકા હિસ્સો વેચ્યો હતો. જેનાથી કંપનીને આશરે ૩૨૫ કરોડ રૂપિયા કમાણી થઈ હતી.

પેટીએમ સતત તેની સર્વિસનું વિસ્તરણ કરી રહી છે. તાજેતરમાં જ પેટીએમને બેંકનું લાયસન્સ પણ મળ્યું છે. પેટીએમ હાલ પેમેન્ટ બેંક, પેટીએમ મોલ, પેટીએમ મની સહિત અન્ય પ્રોડકટ ઓફર કરે છે. (૨૧.૮)

(10:00 am IST)