Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બધાને નિશ્ચિત આવકઃ '૨ વર્ષમાં થશે શરૂઆત'

૨૦૧૬-૧૭ના આર્થિક સર્વેમાં કરાઇ હતી ભલામણઃ દરેક નાગરિકને મળશે એક નિશ્ચિત રકમ

નવી દિલ્હી તા. ૩૦ : મુખ્ય આર્થિક સલાહકાર (CEA) અરવિંદ સુબ્રમણ્યમે સોમવારે આશા વ્યકત કરી કે, આગામી ૨ વર્ષોમાં ૧ કે ૨ રાજયોમાં યુનિવર્સિલ બેઝિક ઈનકમ (UBI)ની શરૂઆત થઈ જશે. સુબ્રમણ્યમે ૨૦૧૬-૧૭ના આર્થિક સર્વેમાં આ ભલામણ કરી હતી.

યુનિવર્સલ બેઝિક ઈનકમ સ્કીમ અંતર્ગત સરકાર દેશના દરેક નાગરિકને વિના શરતે એક નિશ્વિત રકમ આપશે. ગત આર્થિક સર્વેમાં પ્રત્યેક નાગરિકને દર મહિને એક નિશ્વિત આવક સુનિશ્વિત કરવા માટે યુનિવર્સલ બેઝિક ઈનકમ સ્કીમ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સુબ્રમણ્યમે અહીં પત્રકારોને જણાવ્યું કે, 'હું શરત લગાવી શકું છું કે આવતા બે વર્ષમાં ઓછામાં ઓછા ૧-૨ રાજય UBIને લાગુ કરી દેશે.'

'યુનિવર્સલ બેઝિક ઈનકમ'નું સૂચન લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગે આપ્યું હતું. મધ્ય પ્રદેશની એક પંચાયતમાં પાયલોટ પ્રોજેકટ તરીકે આવી સ્કીમને લાગુ કરવામાં આવી હતી, જે પછી સકારાત્મક પરિણામ આવ્યા હતા. ઈન્દોરના ૮ ગામોની ૬,૦૦૦ની વસ્તી વચ્ચે ૨૦૧૦થી ૨૦૧૬ દરમિયાન આ સ્કીમનો પ્રયોગ કરાયો. તેમાં પુરુષો અને મહિલાઓને ૫૦૦ અને બાળકોને દર મહિને ૧૫૦ રૂપિયા આપવામાં આવ્યા. આ ૫ વર્ષોમાં તેમાંથી મોટાભાગનાએ આ સ્કીમનો લાભ મળ્યા બાદ પોતાની આવક વધારી દીધી હતી.(૨૧.૬)

(9:56 am IST)