Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સોહરાબ કેસઃ મુંબઇ હાઇકોર્ટે આરોપમુકત કરાયેલા પોલીસ કર્મચારીઓની યાદી માંગતા ખળભળાટ

સીબીઆઇ અને રૂબાબુદ્દીનની અપીલ પર ૯મી ફેબ્રુઆરીથી શરૂ થશે સુનાવણી

મુંબઇ તા. ૩૦ : સોહરાબુદ્દીન શેખ કથિત નકલી એન્કાઉન્ટર મામલે બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને કહ્યું છે કે, તે એ પોલીસ અધિકારીઓના નામની યાદી સોંપે, જેને આરોપમુકત કરવા સામે અપીલ કરાઈ છે. સાથે જ કોર્ટે એ જણાવવા પણ કહ્યું કે, આરોપપત્રમાં તેમની કઈ ભૂમિકા જણાવાઈ હતી. ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરેની ખંડપીઠે એમ પણ કહ્યું કે, સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીન અને સીબીઆઈની અપીલો પર રોજ સુનાવણી થશે.

હકીકતમાં, આ મામલે કેટલાક આરોપીઓને આરોપ મુકત કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે. ન્યાયાધીશે કહ્યું કે, 'એક ચાર્ટ સોંપવામાં આવે, જેમાં જે લોકોને આરોપ મુકત કરવા સામે અપીલ કરાઈ છે, તેમનું નામ, તેમના પર સીબીઆઈએ કયા આરોપો અને કલમો લગાવી હતી, એ અંગે સમગ્ર જાણકારી આપવામાં આવે.' કોર્ટે કહ્યું કે, આ મામલે સુનાવણી ૯ ફેબ્રુઆરીએ શરૂ થશે.

સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને ફેરવિચારણાની અરજી કરી છે, જેમાં ઓગસ્ટ ૨૦૧૬ અને ઓગસ્ટ ૨૦૧૭ની વચ્ચે ડીજી વણઝારા (નિવૃત્ત્।), રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએનને મામલામાંથી આરોપ મુકત કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારાયો છે. નીચલી કોર્ટે આ ગાળા દરમિયાન સીબીઆઈ દ્વારા આરોપપત્રમાં દર્શાવેલા ૩૮માંથી ૧૫ લોકોને આરોપ મુકત કરી દીધા હતા.

આ મામલે આરોપ મુકત કરાયેલા લોકોમાં આઈપીએસ અધિકારી એન કે અમીન, ગુજરાત પોલીસના ઘણા અધિકારી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ છે. સીબીઆઈએ જોકે માત્ર અમીન અને પોલીસ કોન્સ્ટેબલ દલપત સિંહ રાઠોડને આરોપ મુકત કરવા સામે અપીલ કરી છે. મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટે પોલીસ અધિકારીઓને એ આધાર પર આરોપ મુકત કરી દીધા હતા કે સીબીઆઈ તેમની વિરુદ્ઘ કેસ ચલાવવા માટે પૂર્વ મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહી.

ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂછ્યું હતું કે, શું માત્ર પૂર્વ મંજૂરીનો અભાવ આરોપીઓને આરોપ મુકત કરવા માટે પૂરતો હતો. જજ મોહિતે ડેરેએ એમ પણ પૂછ્યું હતું કે, સીબીઆઈએ મામલામાં વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને આરોપ મુકત કરવાને કેમ પડકાર્યું ન હતું.(૨૧.૫)

(9:56 am IST)