Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સત્યાગ્રહ તો સત્તાને શુધ્ધ કરવા માટે હોઇ શકે...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી-નિર્વાણ દિન

રાજકોટ તા.૩૦ : જનગણ મન અધિનાયક જયારે, ભારત ભાગ્ય વિધાતા પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ  ઉત્કલ બંગા...! આપણું આ રાષ્ટ્રગીત થોડામાં ઘણું કહી જાય છે, દેશમાં વિવિધ રાજ્યો છે, એ પ્રમાણે વિવિધ ધમો, વિવિધ જાતીઓ છે, વિશ્વભરમાં એક મહાન લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારત દેશનું નામ ઉજ્જવળ છે.

વિશ્વના સૌથી મોટા, મહત્વના એવાં લોકશાહી રાષ્ટ્ર ભારતની આઝાદીના પ્રણેતા આઝાદી સંગ્રામના અડીખમ યોધ્ધા અને રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સત્ય, અહિંસા અને પ્રેમના એ પૂજારી હતા.

તા.રજી ઓકટોબર ૧૮૬૯માં પોરબંદરમાં તેમનો જન્મ થયો. તેમના પિતા કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઇ હતું તેમનું નામ મોહનદાસ રખાયું. ત્રણ ભાઇઓમાં તેઓ નાના હતા.

મહાત્મા ગાંધીનું બાળપણ રાજકોટમાં વિતેલું રાજકોટના લાખાજીરાજ રોડપર એક ઐતિહાસિક મકાન છે. જે કબા ગાંધીના ડેલા-ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાવામાં આવે છે. ત્યાં ગાંધીજી બાળપણમાં રહ્યા, ગાંધીજી છ વર્ષની વયે રાજકોટ આવ્યા હતા.

તેમણે રાજકોટના જયુબિલી બાગ પાસે આવેલી આલ્ફ્રેડ હાઇસ્કુલ જે હાલ મહાત્મા ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાય છે. તેમાં અભ્યાસ કર્યો, ગાંધીજીએ રાજકોટમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મેળવ્યું.

તેમણે ૧૮૮૭માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી અને પછી બેરીસ્ટર બનવા ૧૮૮૮માં વિલાયત ગયા.

રાજકોટના કબા ગાંધીના ડેલામાં રહીને મહાત્મા ગાંધીએ સંસ્કારો જીલ્યા પચાવ્યા અને જીવનમાં ચરિતાર્થ કર્યા, 'શ્રવણ પિતૃભકિત' પુસ્તક વાંચીને તેમનામાં સેવા ભાવના જાગી સત્યવાદી હરિશચંદ્ર નાટક જોઇને સત્યવાદી બન્યા.

૧૯૩૮ માં રાજકોટ સત્યાગ્રહ વખતે તેમણે રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ કર્યા, નાનકડા રાજકોટ સત્યાગ્રહે તે વખતે માત્ર ગુજરાતમાં જ નહી આખા હિન્દુસ્તાનમાં આંદોલન જગાવ્યું.

ગાંધીજીએ કહ્યું હતું- મને રોજ લાગતુ જાય છે કે, સત્યાગ્રહ અમુક વસ્તુ પર કેન્દ્રીત કરવો જોઇએ પણ આપણે આજે સત્યાગ્રહ સત્તા મેળવવા માટે કરી રહ્યા છીએ, જયારે સત્યાગ્રહ તો સત્તાને શુધ્ધ કરવા માટે હોઇ શકે.

રાષ્ટ્રના સ્વાતંત્ર્ય આંદોલનમાં અનેક દેશભકતોએ બલિદાનો આપ્યા, નવ યુવકોએ પોતાના રકતનું તર્પણ કર્યું, એક સમય હતો જયારે યુવાનોનું સમગ્ર લક્ષ માતૃભૂમિની આરાધના માટેનુ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, જેવા મા ભારતીના અડીખમ યોધ્ધાઓની વિતક્ષણ બુધ્ધિ, નિસ્વાર્થ સેવા ભાવના, અને નેતાગીરીના ગુણે સમગ્ર દેશને સ્વાતંત્ર્ય માટે સંગીન બનાવ્યો, અને અંતે એ પવિત્ર, ચિરસ્મરણીય દિન આવી પહોંચ્યો જેને માટે કૈંક નામી અનામી નરનારીઓએ વર્ષો સુધી અનેક યાતના સહન કરી હતી. ભારત દેશ આઝાદ થયો દેશવાસીઓએ સ્વતંત્રતાની મુકત હવાનો સોનેરી શ્વાસ લીધો અને દેશવાસીઓએ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે નવાજયા.(૬.૧)

(10:00 am IST)