Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજસ્થાનના ઉદયપુર ખાતે

અહો આશ્ચર્યમ! પીછોલા સરોવરમાં સરકારી બોટ ઉપર પાબંદી, પરંતુ હોટલ સંચાલકોને બધી છૂટ?!

હોટલના માલિકો પ્રવાસીઓ પાસેથી ર૦૦ રૂપિયાને બદલે ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા પડાવીને બોટીંગ કરાવે છે! બોટીંગના નામે સહેલાણીઓના ખિસ્સા ખંખેરવાનો ખેલ? તંત્રના પણ છૂપા આશીર્વાદ?! : હકિકતે હોટલ માલિકો પાસે પ્રવાસીઓને સરોવરમાં બોટીંગ કરાવવાનો અધિકાર જ નથી, છતાં ખૂલ્લેઆમ ટીકીટ પણ આપે છે?!

રાજકોટ તા. ર૯ :.. રાજસ્થાનના ઉદયપુર ખાતે કૃત્રિમ રીતે બનાવેલ તાજા-મીઠા પાણીનું પીછોલા નામનું વિખ્યાત સરોવર આવેલું છે. અહીં દર વર્ષે હજજારો સહેલાણીઓ ફરવા માટે તથા બોટીંગનો આનંદ માણવા માટે આવે છે. પ્રવાસીઓ માટે આ સરોવર હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. અહીં બોટીંગ કરવાની મજા જ કંઇક ઔર હોય છે.

વૈશ્વિક મહામારી કોરોનાએ ભારતને ભરડો લેતા સરકાર તથા ઉદયપુર નગર નિગમ દ્વારા માર્ચ-ર૦ર૦ થી પીછોલા સરોવરમાં સરકારી બોટ દ્વારા બોટીંગ કરવા ઉપર પાબંદી લગાવવામાં આવી છે. પરંતુ ઉદયપુર ખાતેના અમુક હોટલ સંચાલકો પોતાની મનમાની કરીને પ્રવાસીઓે બિન્દાસ રીતે પીછોલા સરોવરમાં બોટીંગ કરાવી રહ્યાનું સંભળાય રહ્યું છે.

હાલના સમયમાં પીછોલા સરોવર ખાતે સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગણત્રીના અને ચોકકસ હોટલ માલિકો સમયનો ગેરફાયદો ઉઠાવીને ૧પ૦ થી ર૦૦ રૂપિયાના બદલે ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયામાં પ્રવાસીઓને  ગેરકાયદેસર રીતે અહીં બોટીંગ કરાવી રહ્યાની ચર્ચા છે. સ્વીકૃતિ ન હોવા છતાં બોટ ચલાવીને આ રીતે સહેલાણીઓના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યા છે ત્યારે નગર નિગમ તંત્રના પણ હોટલ માલિકો ઉપર છૂપા આશીર્વાદ હોવાની જબરી ચર્ચા ચાલે છે.

જાણવા મળતી વિગતો મુજબ હોટલ માલિકો પાસે પ્રવાસીઓને બોટ સુધી લઇ જવા તથા બોટ પરથી પ્રવાસીઓને હોટલ સુધી લઇ આવવા માટેની જ મંજૂરી આપવામાં આવી છે, પ્રવાસીઓને સરોવરમાં બોટમાં ફેરવવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. છતાં પણ હોટલ માલિકો બેરોકટોક પ્રવાસીઓને બોટીંગ કરાવીને ચાર-ચાર ગણા રૂપિયા લઇ રહ્યા છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે હોટલ સંચાલકો પ્રવાસીઓેને ખૂલ્લેઆમ ટીકીટ પણ આપી રહ્યા હોવાનું સંભળાય છે.

જાણવા મળતી વિગતો મુજબ ઉદયપુર નગર નિગમ દ્વારા પોતાના હસ્તકના પીછોલા સરોવરમાં યશ એમ્યુઝમેન્ટ નામની કંપની - પેઢીને બોટના સંચાલન માટે ર.૬૩ કરોડ રૂપિયામાં વાર્ષિક લેખે પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આપેલ છે. દર વર્ષે તેણે દસ ટકા રકમ વધારીને રૂપિયા  જમા કરાવવા પડતા હોય છે. કોરોનાને કારણે નિગમ દ્વારા માર્ચ ર૦ર૦ થી આજ સુધી સરકારી બોટ ઉપર પાબંદી લગાવવામાં આવી છે. આમ તંત્રને  આવકમાં પણ ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. આની સામે અમુક હોટલ માલિકોનો રૂમ બુકીંગ કરવાના સમયે જ પ્રવાસીઓ પાસેથી પીછોલામાં બોટીંગ કરવાના ચાર્જ પેટે ૮૦૦ રૂપિયા અલગ લઇ લેતા હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે અર્બન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ (યુઆઇટી) ઉદયપુર હસ્તક આવેલ ફતહસાગર સરોવરમાં બોટ સંચાલન માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. (રાજસ્થાન પત્રીકામાંથી સાભાર) (પ-૧૦)

તપાસ વખતે સંચાલકો બોટને આઘીપાછી કરી નાખે છે

પીછોલા સરોવરમાં પરિવહન વિભાગ દ્વારા ૭૮ બોટોના લાયસન્સ આપવામાં આવ્યા છે. જેમાં સરકારી બોટોની સંખ્યા ૧૮ છે. તથા જગ મંદિર જતી બોટોની સંખ્યા રપ છે. આ સિવાયની બોટો વિવિધ હોટલ હસ્તકની છે. તંત્ર દ્વારા તપાસ દરમ્યાન બોટ સંચાલકો બોટને સરોવરમાં આઘીપાછી કરી નાખતા હોવાનું સંભળાય છે. તાજેતરમાં જ કોર્ટ કમિશનરના નિરીક્ષણ દરમ્યાન બોટ સંચાલકોએ ઘણી બોટો (જેટી) ના  સઢ (પાંખો) ખોલીને અંદર રાખી દીધા હતાં.

(2:52 pm IST)