Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રજનીકાંતને 'બ્રહ્મજ્ઞાન' : રાજકારણના અખાડામાં નહિ ઉતરે : નહિ લડે વિધાનસભાની ચૂંટણી

સ્વાસ્થ્ય ખરાબ થયું તેને ભગવાનનો ઇશારો સમજી કરી પીછેહઠ

ચેન્નાઇ તા.૨૯ : અભિનેતા રજનીકાંતે જાહેરાત કરી છે કે તેઓ રાજકીય પક્ષ બનાવશે નહીં, તેમણે એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા ત્રણ પાનાના નિવેદનમાં પાર્ટી ન રચવાની માહિતી આપી હતી. સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, મને દુખ છે કે હું રાજકીય પક્ષ બનાવી રહ્યો નથી, ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે રજનીકાંત ટૂંક સમયમાં પોતાના રાજકીય પક્ષની ઘોષણા કરી શકે છે. આ જાહેરાત પછી અભિનેતા રજનીકાંતે આ બધી અટકળો પર રોક લગાવી દીધી છે. રજનીકાંતે આરોગ્યનાં કારણો ટાંકીને રાજકારણમાં ન આવવાનું કારણ આપ્યું છે. રજનીકાંતનું સ્વાસ્થ્ય ખરાબ થયું તેને ભગવાનનો ઇશારો સમજી રજનીકાંતે રાજકીય પક્ષ નીર્માણ કરવાનું માંડી વાળ્યું.

સુપરસ્ટાર રજનીકાંતે તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. રજનીકાંતે  નિવેદન જારી કરતાં કહ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષ બનાવશે નહીં. જો કે, તમિળનાડુના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. રજનીકાંતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભૂતકાળમાં તેમના સ્વાસ્થ્યમાં જે ઘટાડો થયો છે, તે તેને ભગવાનની ચેતવણી માને છે અને રાજકીય પક્ષ ન બનાવવાનો નિર્ણય લે છે. રજનીકાંતે કહ્યું છે કે તેઓ નથી ઇચ્છતા કે લોકો સમજી જાય કે તેમને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે.

અગાઉ રજનીકાંત દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ ૩૧ ડિસેમ્બરે તેમના રાજકીય પક્ષની ઘોષણા કરશે. જે પછી તેઓ તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લેશે અને રજનીકાંત મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે. પરંતુ જયારે રજનીકાંત હૈદરાબાદમાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત અચાનક બગડી ગઈ. ત્યારબાદ રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં પાછલા દિવસે તેમને રજા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રજનીકાંત લાંબા સમયથી રાજયમાં તેમના સમર્થકો, ફેન કલબ સાથે બેઠક કરી રહ્યા હતા. જેમાં રાજકારણમાં પ્રવેશવાની તૈયારીની વાત કરવામાં આવી હતી. ગયા વર્ષે જ તેમણે પુષ્ટિ આપી હતી કે તેઓ રાજકારણમાં કૂદી જશે, આ વર્ષના અંતે પાર્ટી શરૂ કરવાની યોજના હતી. તમિલનાડુમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ડીએમકે, AIADMK, કોંગ્રેસ, ભાજપ ઉપરાંત આ વખતે કમલ હાસનની પાર્ટી રજનીકાંત પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

(2:51 pm IST)