Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે કરી આત્મહત્યા : રેલવે ટ્રેક પર મળી આવ્યો મૃતદેહ

બેંગલુરૂ તા. ૨૯ : કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર એસએલ ધર્મેગૌડાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ ચિક્કમંગલુરૂના કડૂર પાસે એક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે.

રિપોર્ટ મુજબ એસએલ ધર્મેગૌડા સોમવારે (૨૮ ડિસેમ્બર) સાંજે ૭ વાગે એકલા પોતાની સેન્ટ્રો કારથી ઘરની બહાર નીકળ્યા હતા. મોડી રાત સુધી ઘરે પાછા ફર્યા નહીં ત્યારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી. મોડેથી તેઓ કડૂરના ગુનસાગરમાં રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી આવ્યા.

પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ એસએલ ધર્મેગૌડાના નિધન પર શોક વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે રાજય વિધાન પરિષદના સભાપતિ અને જેડીએસ નેતા એસએલ ધર્મેગૌડાની આત્મહત્યાના ખબર જાણીને હુ સ્તબ્ધ છું. તેઓ એક શાંત અને સભ્ય વ્યકિત હતા. રાજય માટે આ ભારે ક્ષતિ છે.

અત્રે જણાવવાનું કે હાલમાં જ કર્ણાટક વિધાનસ પરિષદમાં જોરદાર હોબાળો થયો હતો અને સભ્યો વચ્ચે હાથાપાઈની નોબત આવી ગઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ડેપ્યુટી સ્પીકર એસએલ ધર્મેગૌડા સાથે ગેરવર્તણૂંક કરી હતી. કોંગ્રેસના સભ્યોએ તેમને પકડીને ખુરશી પરથી ઉતારી મૂકયા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ ગેરકાયદેસર રીતે ખુરશી પર બેઠા છે.

(10:40 am IST)