Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભારત અને પાકિસ્તાનને જોડતા કોરિડોર અંગેનો પાકિસ્તાન સરકારનો પ્રસ્તાવ તૈયાર : 4 મહિનામાં તૈયાર થઇ જનાર કોરિડોર દ્વારા પાકિસ્તાન જનારા શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી : સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ કોરિડોર ઉપર શ્રદ્ધાળુઓ 15 ના ગ્રુપમાં પ્રવેશ કરી શકશે

ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોરિડોરનું 26  નવે.ના રોજ ભારતમાં શિલાન્યાસ થયાના બે દિવસ બાદ  પાકિસ્તાનમાં પણ વડાપ્રધાન ઇમરાનખાને તેનું વિધિવત શિલાન્યાસ કર્યું છે.  ભારતના ગુરૂદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થાનથી ઇન્ટરનેશનલ બોર્ડર સુધી બનતા કોરિડોરનો  અંદાજિત બે કિલોમીટરનો હિસ્સો ભારતમાં અને  અંદાજિત ત્રણ કિલોમીટરનો હિસ્સો પાકિસ્તાનમાં હશે. તેના નિર્માણમાં અંદાજિત 16 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. ચાર મહિનામાં તેને બનાવવાનું લક્ષ્ય તૈયાર કરવામાં આવ્યું છે.

કોરિડોર માટે પાકિસ્તાનની શરત મુજબ  તમામ શ્રદ્ધાળુ 15ના ગ્રુપમાં પ્રવેશ કરશે, કોરિડોર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જેટલાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા જશે, તે ક્રમમાં બંને તરફ તેઓના નામ અને યાત્રા અનુસાર, ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. દરમિયાન શ્રદ્ધાળુઓ વચ્ચે કોઇ વિવાદ થશે તો કૂટનીતિથી તેનો ઉકેલ લાવવામાં આવશે. પરમિટ વગર કોઇ પણ શ્રદ્ધાળુઓને પ્રવેશની અનુમતિ નહીં આપવામાં આવે. પાસપોર્ટ પણ જરૂરી હશે જે અંગે  પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં ભારતની સામે  પ્રસ્તાવ મોકલવાની તૈયારીમાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)