Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઇશા અંબાણીના લગ્નના ૧૬ દિવસ બાદ સોશ્યલ મીડિયામાં વિદાયનો વીડિયો વાયરલ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશાના 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે લગ્ન થયા. મુકેશ અંબાણીના પરિવારનો આ પહેલો પ્રસંગ જેટલો ભવ્ય હતો તેટલો જ પારંપારિક પણ રહ્યો. ઈશાના લગ્નની દરેક ક્ષણ અને દરેક વસ્તુમાં ગુજરાતીપણું છલકાતું હતું. લગ્નની વિધિ હોય કે મહેમાનોની આગતાસ્વાગતા બધું જ પરંપરાગત રીતે કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર ઈશાના લગ્નના વીડિયો થોડા થોડા સમયે વાયરલ થતા રહે છે.

ઈશાની વિદાયમાં આંસુ ન રોકાયા

ઈશાના લગ્નના 16 દિવસ બાદ હવે તેની વિદાયનો વીડિયો સામે આવ્યો છે. દીકરીના લગ્નનો ઉત્સાહ મા-બાપને જેટલો હોય તેનાથી ચાર ગણું દુઃખ પોતાના કાળજાનો કટકો કોઈને સોંપી દેવાનું હોય છે. આવું જ દુઃખ સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચહેરા પર જોવા મળ્યું. દીકરીની વિદાયની વેળા મા-બાપ માટે સૌથી કપરી હોય છે. ઈશાની વિદાય વખતે નીતા અંબાણી દીકરીને ભેટીને ખૂબ રડ્યા તો મુકેશ અંબાણીએ છેક સુધી ઈશાનો હાથ પકડી રાખ્યો.

આખરે એ ઘડી આવી ગઈ

આખું બાળપણ જેની સાથે લડી-ઝઘડીને અને મજાક-મસ્તી કરીને વિતાવ્યું હોય તે બહેન કાલથી આ ઘરમાં નહીં હોય તેવી લાગણી ઈશાના બંને ભાઈઓના ચહેરા પર દેખાઈ. આકાશ અને અનંત અંબાણીએ પણ ઈશાને ભારે હૈયે વિદાય આપી. વિદાય પહેલા ઈશાએ પતિ સાથે ઘરમાં જ આવેલા રામ-સીતા મંદિરમાં ભગવાનને નમન કર્યા. બેકગ્રાઉન્ડમાં વાગતા ‘લાડલી’ ગીતના શબ્દો અને સંગીતે માહોલને વધુ ભાવુક કર્યો.

કન્યાદાન વખતે પણ થયા હતા ભાવુક

ઈશાના લગ્નના અગાઉ પણ કેટલાક વીડિયો વાયરલ થયા હતા. આમીર ખાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અભિષેક-ઐશ્વર્યા મહેમાનોને ભોજન પીરસતા હોય તેવા વીડિયો અને તસવીરો વાયરલ થઈ હતી. આ સિવાય ઈશા મંડપમાં આવી તેનો અને કન્યાદાન વખતે ઈમોશનલ થયેલા નીતા-મુકેશ અંબાણીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

(5:06 pm IST)