Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

બેંકોની સ્થિતિ સુધરી : ચૂંટણી પહેલા મોદીનું એક મોટું ટેન્શન હળવું થઇ ગયું

બેડ લોન્સમાં ઘટાડો થઇ રહ્યો છે : બેંકોના પૈસા પાછા આવી રહ્યા છે

નવી દિલ્હી તા. ૨૯ : ચૂંટણી પહેલા દેશની બેન્કોની ડામાડોળ પરિસ્થિતિ અંગે સવાલ ઊઠ્યા છે ત્યારે મોદી સરકાર માટે એક સારા સમાચાર છે. રાજય સરકાર દ્વારા સંચાલિત બેડ લોન્સમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં રાજય સરકાર સંચાલિત બેન્કની NPA સર્વોચ્ચ રૂ. ૨૩૮૬૦ કરોડ હતી ત્યાર પછી તેમાં સતત ઘટાડો થયો છે.

ફાયનાન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે જણાવ્યું, 'માર્ચમાં તે ૭.૦ ટકા હતી જે સપ્ટેમ્બર ૨૦૧૮માં ઘટીને ૦.૫૯ ટકા જેટલી થઈ ગઈ છે.' ફાયનાન્સ મિનિસ્ટ્રીના ડેટા અનુસાર ૩૧થી ૯૦ દિવસ સુધી રૂપિયા ન ચૂકવ્યા હોય તેવા એકાઉન્ટ્સ (જે NPAમાં નથી ગણાતા) તેમની સંખ્યા પણ ૬૧ ટકા ઘટી છે. જૂન ૨૦૧૭માં તે ૨.૨૫ લાખ કરોડ હતા જે ઘટીને સપ્ટેમ્બર ૨૦૧૮માં ૦.૮૭ લાખ કરોડ થઈ ગયા છે. તેને કારણે બેન્કોની જોખમાયેલી મૂડીમાં ધરખમ ઘટાડો થયો છે. આ સૂચવે છે કે હવે બેન્કોની NPA પણ ઘટશે.

બીજી બાજુ પબ્લિક સેકટર બેન્ક પણ સારુ પ્રદર્શન કરી રહી છે. તેમણે આ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ. ૬૦,૭૨૬ કરોડની રિકવરી કરી છે જે આગલા વર્ષ કરતા લગભગ બમણી છે. પબ્લિક સેકટર બેન્કનો પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) માર્ચ ૨૦૧૫માં ૪૬.૦૪ ટકા હતો જે સપ્ટેમ્બર ૨૦૧૮માં ૬૬.૮૫ ટકા થઈ ગયો છે. અર્થાત્ બેન્કોની ખોટ ખમવાની ક્ષમતા વધી છે.

સરકારને આશા છે કે બે કે ત્રણ બેન્ક રિઝર્વ બેન્કના પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન (PCA)ના ઝોનમાંથી આ નાણાંકીય વર્ષ પહેલા બહાર આવી જશે. આ મહિનાની શરૂઆતમાં નાણાંમંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે સરકાર રાજય સરકાર દ્વારા સંચાલિત બેન્કોમાં ૪૧,૦૦૦ કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કરશે. આ તેમનું રિકેપિટલાઈઝેશન આ નાણાંકીય વર્ષમાં રૂ. ૬૫,૦૦૦ કરોડથી વધીને ૧.૦૬ લાખ કરોડ થઈ જશે. જેટલીએ જણાવ્યું કે આ પછી બેન્કોની લોન આપવાની ક્ષમતા વધી જશે અને તે રિઝર્વ બેન્કના PCA ફ્રેમવર્કમાંથી નીકળી જશે જે તેમના કેટલાંક બિઝનેસ પર કાપ મૂકે છે.

આ સમાચાર મોદી સરકાર માટે એટલા માટે સારા છે કે બેન્કોની સ્થિતિ સુધરતા બેન્કો વધુ રકમ લોકોને વ્યાજે આપી શકશે. આ કારણે વેપારીઓ, ખેડૂતોથી માંડીને સામાન્ય માણસ સુધી બધાને જ લોન મેળવવામાં આસાની પડશે. ચૂંટણીમાં આ બાબત સરકારની તરફેણમાં મજબૂત પાસુ બની શકે છે.(૨૧.૧૯)

(3:44 pm IST)