Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મિશન ૨૦૧૯: ૭૫ વર્ષથી વધુના નેતાને પણ ટીકિટ આપવાનો બીજેપીએ કાઢયો રસ્તોઃ પ્રધાન પદ નહી મળે

નવી દિલ્હી, તા.૨૯: ત્રણ રાજયોમાં મળેલી હાર બાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાની લોકસભા ચૂંટણીની રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ ૭૫ વર્ષથી વધારે ઉંમરના ચૂંટણી જીતનારા નેતાઓને ટીકીટ આપી શકે છે પરંતુ તેમને પ્રધાનપદ નહી આપવામાં આવે. અને ન તો તેમને પાર્ટીમાં કોઈ પદ આપવામાં આવશે.

હકીકતમાં ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બની તે સમયે ૭૫ૅ નેતાઓને ન તો પ્રધાન બનાવવા અને ન તો પાર્ટીમાં કોઈ પદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આ અંતર્ગત લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી સહિતના ૭૫ વર્ષથી વધુ ઉંમરના નેતાઓને પ્રધાન મંડળમાં જગ્યા ન આપવામાં આવી જેમાં શાંતા કુમાર, બીસી ખંડૂરી, હુકુમ દેવ યાદવ, કારિયા મુંડા, વિજયા ચક્રવર્તી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

બીજેપીએ રાજસ્થાનમાં ચૂંટણીમાં ૭૫ વર્ષથી વધારે ઉંમરના ત્રણ નેતાઓને ટીકિટ આપી જેમાં જોધપુરથી સૂર્યાકાંતા વ્યાસ, ભીલવાડાથી કૈલાશ મેદ્યવાલ અને બીકાનેરથી ગોપાલ જોષીનો સમાવેશ થાય છે. સૂર્યાકાંતા વ્યાસ અને ગોપાલે સારા માર્જિનથી પોતાના પ્રતિદ્વંદિઓને ચૂંટણીમાં મ્હાત આપી હતી. રાજસ્થાનમાં ચૂંટણી પહેલા પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે પ્રદેશની કમાન ૭૫ વર્ષના મદનલાલ સૈનીને સોંપી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપ ૭૫ વર્ષથી વધારેની ઉંમરના નેતાઓને આગામી લોકસભા ચૂંટણીમાં ટીકિટ આપે તો બીજેપીના માર્ગદર્શક મંડળના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને લોકસભા ચૂંટણીમાં ટીકિટ મળે છે કે કેમ.

(3:40 pm IST)