Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

દિલ્હીમાં ઠંડીએ નવો રેકોર્ડ સર્જતા લોકો મુશ્કેલીમાં

ધુમ્મસ તેમજ તીવ્ર ઠંડી વચ્ચે દિલ્હીમાં તાપમાન ૨.૬ થયુ

શીત લહેર અને ધુમ્મસના કારણે ઉત્તરભારતમાં અનેક સ્થળોએ ચક્કાજામની સ્થિતિ : મેદાની ભાગોમાં પારો નીચે

નવી દિલ્હી,તા. ૨૯ : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. દિલ્હીમાં તો આજે સવારે ઠંડીએ નવો રેકોર્ડ કર્યો હતો. કારણ કે પારો ગગડીને ૨.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ રહી છે. જીવલેણ સ્મોગના કારણે પણ હાલત કફોડી  બનેલી છે.બીજી બાજુ ઉત્તરભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયું છે.

 

હિમવર્ષાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. હાલમાં કોઇ રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હિમાચલમાં હિમવર્ષાના લીધે તેની સીધી અસર થઇ છે. અનેક જગ્યાએ ઠંડીના રેકોર્ડ તુટી ગયા છે. શ્રીનગરમાં પાઇપલાઈન પર આગ લગાવીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

લડાખ ક્ષેત્રમાં હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે. લેહ અને કારગિલમાં તાપમાન રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયું છે. પહેલગામમાં તાપમાન માઇનસ ૮.૩ ડિગ્રી અને ગુલમર્ગમાં માઇનસ નવ ડિગ્રી તાપમાન રહ્યું છે. લડાખમાં પણ આવી જ હાલત બનેલી છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મેદાની ભાગોમાં ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

ટ્રેન અને વિમાની સેવાને પણ માઠી અસર થઇ છે. આ સ્થિતિ હાલમાં અકબંધ રહી શકે છે. દિલ્હીમાં પણ ઠંડીથી રાહત નહીં મળે.દિલ્હીમાં પણ તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. હિમાચલ, જમ્મુ કાશ્મીરમાં માઇનસમાં તાપમાન છે. શ્રીનગરની લોકપ્રિય દાલ સરોવરમાં બરફ જામી જતા ઉત્તેજના રહી છે. બીજી બાજુ શ્રીનગર અને અન્ય શહેરોમાં આવાસની યોજનાઓમાં પાણીને લઇનેતકલીફ થઇ રહી છે. હાલમાં સ્થિતીમાં સુધારો નહીં થાય તેવી વકી છે. (૨૧.૨૦)

(3:38 pm IST)