Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

હુ..હુ..હુ... દ્રાસમાં માઇનસ ૨૧ ડીગ્રી: દેશભરમાં ગાત્રો થીજાવતી ઠંડી

કાશ્મીરમાં એકધારી બરફવર્ષા : લેહમાં માઇનસ ૧૭.૫ : રાજસ્થાનના ૩ સ્થળે માઇનસમાં તાપમાન : પહાડો પર બરફ : મ.પ્રદેશ - હરિયાણા - યુપીમાં કાતિલ ઠંડીઃ દિલ્હીમાં તાપમાન ૨.૬ : ઉત્તરથી પૂર્વ સુધી ભારે હીમપાત : નદી - નાળા સરોવર થીજી ગયા

ભોપાલ તા. ૨૯ : કાશ્મીરમાં થઇ રહેલી ભારે હિમવર્ષાના કારણે ઉત્તરભારતના મેદાની વિસ્તારોમાં પણ ભારે ઠંડી પડી રહી છે. રાજસ્થાન, પંજાબમાં પણ અનેક શહેરોમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે. સીકર જિલ્લાના ફતેહપુરમાં અનેક જગ્યાએ બરફ જામી ગયો છે, તો શ્રીનગરના સીઆરપીએફ કેમ્પમાં નળથી આવતું પાણી પણ જામી ગયું છે. સર્વાધિક ઠંડી દ્રાસમાં રહી જ્યાં તાપમાન માઇનસ ૨૧ રેકોર્ડ કરવામાં આવ્યું લેહમાં ન્યુનત્તમ તાપમાન માઇનસ ૧૭.૫ રહ્યું. પંજાબમાં નવા વર્ષમાં વધુ ઠંડી પડવાનો અંદાજ છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં શીતલહેર ચાલી રહી છે.

રાજસ્થાનમાં ઠંડી સતત વધતી જોવા મળી રહી છે. સીકર જિલ્લાના ફતેહપુરમાં સતત પાંચ દિવસથી પારો માઇનસમાં રહેલો છે. ગઇકાલે પણ પારો -૪.૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યું. ત્યાં સવારે ગાડીઓ અને બાલ્કનીમાં પાણી થીજી ગયું. બીજી બાજુ રાજ્યના એકમાત્ર પર્વતીય સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન -૧.૦ ડિગ્રી રહ્યું. રાજ્યના સીકરમાં ૧.૫ અને ચુરૂમાં -૦.૬ ડિગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું. તેની સાથે જ ભીલવાડામાં પણ પારો -૧.૦ ડિગ્રી નોંધવામાં આવ્યો.

કાશ્મીર ઘાટીમાં બરફવર્ષાના કારણે લેહમાં પારો માઇનસ ૧૭.૧ ડિગ્રીએ પહોંચી ગયો છે. શ્રીનગરમાં ઠંડી એટલી હદે વધી ગઇ છે કે સીઆરપીએફ કેમ્પમાં નળમાંથી નીકળતી પાણીની ધાર પણ થીજી ગઇ છે. કેમ્પમાં તૈનાત ડિપ્ટી એસપી કે.કે.કશ્યપે આ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ ઉપરાંત કારગિલ, ગુલમર્ગ વગેરે સ્થળોમાં પણ પારો માઇનસમાં રહ્યો. જમ્મુ, કટરા, ઉધમસિંહ નગરમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી છે.

કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે પંજાબમાં પણ ઠંડી વધી છે. છેલ્લા ૨૪ કલાકમાં ભટીંડામાં ન્યુનત્તમ પારો -૦.૮ નોંધવામાં આવ્યો છે. પતિયાલાને છોડીને બાકી રહેલા જિલ્લાનો પારો ૦ થી ૨ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યો. નવા વર્ષ પર રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ આવતા ચાર દિવસોમાં પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, નવાશહેર, રૂપનગર, કપૂરથલા અને જલંધરમાં વરસાદ થશે.

હિમાલય પર હિમવર્ષાથી હિમાચલનું તાપમાન માઇનસની નીચે છે. કુલ્લુ અને મનાલીમાં માઇનસ ૨ અને ૪ ડિગ્રી છે તો સીમલામાં પારો ૪ ડિગ્રી રેકોર્ડ કરાયું છે. આવનારા દિવસોમાં હજુ પણ ઠંડી વધશે.

યુપીમાં પણ ઠંડીના કારણે લોકોના હાલ બેહાલ છે. પાટનગર લખનૌમાં ૫, આગ્રા અને મથુરામાં ૩ ડિગ્રી તાપમાન રહ્યું. કુંભનગરી પ્રયાગરાજમાં ૬ ડિગ્રી અને કાનપુર - મેરઠમાં ૫ ડિગ્રી નોંધાયું છે.

દિલ્હીના ગુડગાંવમાં શિમલાથી વધુ ઠંડી પડી રહી છે. ગુડગાંવમાં તાપમાન ૨ ડિગ્રી રહ્યું. હરિયાણામાં અંદાજે દરેક શહેરોમાં ૫ ડિગ્રીથી ઓછું રહ્યું. (૨૧.૨૧)

(3:38 pm IST)